સગીરાને ફિલ્મની ઑફર કરીને છેડછાડની કોશિશ કરનારો ઝડપાયો

06 December, 2019 08:20 AM IST  |  Mumbai | Diwakar Sharma

સગીરાને ફિલ્મની ઑફર કરીને છેડછાડની કોશિશ કરનારો ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-વેસ્ટમાં આવેલા લોખંડવાલાના જૉગર્સ પાર્કમાં કથિત રીતે સગીરાને ફિલ્મ ઑફર કરી તેની મરજી વિરુદ્ધ તેને ભેટનારી ૩૪ વર્ષની એક વ્યક્તિની ઓશિવરા પોલીસે ધરપકડ કરી હતી. સગીરાનાં માતા-પિતાએ ઍક્ટર સુશાંત સિંહની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાં પછી છટકું ગોઠવીને થોડા જ કલાકમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પીડિતા છોકરી ઍક્ટર સુશાંત સિંહના પારિવારિક મિત્રની પુત્રી છે. 

સગીર છોકરીએ પોલીસમાં આપેલા નિવેદન મુજબ બુધવારે સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે તે જૉગર્સ પાર્કમાં જૉગિંગ કરી રહી હતી, જ્યારે આરોપી અભિનવ મેહતાએ તેની પાસે આવી તેના શારીરિક સૌંદર્યની પ્રસંશા કરી ફિલ્મમાં કારકિર્દી બનાવી આપવાની ઑફર કરી હતી. સગીરાએ તેનો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો હોવાનું જણાવી તેની ઑફર નકારી કાઢી હતી. તેનાથી દૂર જતાં પહેલાં સગીરાની મરજી વિના જ આરોપી તેને ભેટી પડ્યો હતો. તેની વર્તણૂકથી કંટાળેલી સગીરાએ ઘરે જઈને તેના પરિવારને વિગતો જણાવતાં તેમણે સુશાંત સિંહની મધ્યસ્થીથી ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : બેસ્ટના બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરને ધમકાવનાર બે આરોપીને છ મહિનાની કેદ

પોલીસે જણાવ્યું હતું કે આરોપી અભિનવ આ અગાઉ પણ અનેક યુવતીઓને ફિલ્મની ઑફર આપી તેમની નજીક જવાની કોશિશ કરી ચૂક્યો છે.

mumbai mumbai crime news mumbai news