તમે તમારા કમ્પ્યુટરમાં જે પેન ડ્રાઇવ વાપરો છો એ ડુપ્લિકેટ તો નથીને?

06 December, 2023 09:54 AM IST  |  Mumbai | Mehul Jethva

મલેશિયામાં તૈયાર થતી સન ડિસ્ક પેન ડ્રાઇવની સેમ ટુ સેમ કૉપી બનાવીને વેચતા એક યુવાનની ઈઓડબ્લ્યુએ ધરપકડ કરીને ૬.૪૬ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો : આ બોગસ પેન ડ્રાઇવથી ડેટા લીક અને કરપ્ટ થવાની સંભાવના હોય છે

પેનડ્રાઈવ

મલેશિયામાં તૈયાર થતી સન ડિસ્ક પેન ડ્રાઇવની સેમ ટુ સેમ કૉપી નાગપાડામાં એક વ્યક્તિ બનાવતી હોવાની બાતમી ઈઓડબ્લ્યુને મળી હતી. ત્યાર બાદ કંપનીના અધિકૃત અધિકારીને સાથે લઈને નાગપાડામાં રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી ૬.૪૬ લાખ રૂપિયાની આશરે ૨૦૧૪ પેન ડ્રાઇવ જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ પેન ડ્રાઇવ વાપરવાથી કમ્યુટરના સૉફ્ટવેરને નુકસાન થવાની સાથે ડેટા લીક થવાની પણ શક્યતા હોય છે.

ઉત્તર પ્રદેશના નોએડામાં સેક્ટર ૨૯માં રહેતા અને સન ડિસ્ક એલએલસીના અધિકૃત પ્રતિનિધિ શમી ચૌહાણે કરેલી ફરિયાદ અનુસાર મળેલી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નાગપાડાના કામાઠીપુરામાં ક્રાંતિ સદન રહેવાસી સંઘ, પાંચમી ગલીમાં એક વ્યક્તિ દ્વારા સન ડિસ્ક કંપનીની પેન ડ્રાઇવની નકલ કરી, ઉત્પાદિત માલસામાનનો સંગ્રહ કરીને એને જથ્થાબંધ અને છૂટક સ્વરૂપે વેચવામાં આવે છે. આ ઘટનાની જાણ મુંબઈ ઈઓડબ્લ્યુને કરવામાં આવી હતી. એના આધારે રેઇડ પાડીને આશરે ૨૦૧૪ પેન ડ્રાઇવનો માલ જપ્ત કરીને મંગલાજી રામ પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ નાગપાડા પોલીસ કરી રહી છે.

મુંબઈ ઈઓડબ્લ્યુના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર રૂપેશ દરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાને ગંભીરતાથી લઈને સિનિયર અધિકારીની સૂચના અનુસાર રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી આશરે સાડાછ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ માલમાંથી સૅમ્પલ તપાસ માટે મલેશિયા મોકલી આપવામાં આવ્યું છે અને એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે.’  

સન ડિસ્ક એલએલસીના અધિકૃત પ્રતિનિધિ શમી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બોગસ પેન ડ્રાઇવથી ડેટા લીક થવાની અને કરપ્ટ થવાની સંભાવના હોય છે. એ સાથે જે કમ્પ્યુટર અથવા ઇલેક્ટ્રૉનિક આઇટમમાં વાપરવામાં આવે એ પણ ખરાબ થવાની શક્યતા હોય છે.’

mumbai news Crime News Mumbai tech news technology news mehul jethva