21 February, 2024 07:09 AM IST | Mumbai | Mehul Jethva
ડૉક્ટર માટેની પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં પ્રૅક્ટિસ કરતા એક ડૉક્ટરના બૅન્ક-અકાઉન્ટમાંથી એકાએક ૯.૯૪ લાખ રૂપિયા ઊપડી ગયા હતા. ડૉક્ટર પાસે આવેલા એક દરદીએ પૈસા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ડૉક્ટરે પોતાના બૅન્ક-અકાઉન્ટનું બૅલૅન્સ તપાસતાં એમાંથી આશરે ૯.૯૪ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થઈ હતી. અંતે આ ઘટનાની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં કરતાં લોકલ પોલીસ સાથે સાઇબર વિભાગે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે.
વિરાર-પૂર્વના મનવેલપાડામાં યશ વિદ્યાનિકેતન સ્કૂલ નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા અને નાલાસોપારા-પૂર્વમાં સાંઈનાથનગરમાં ધન્વંતરિ ક્લિનિક ધરાવતા ડૉક્ટર રાજેન્દ્ર વાઘેલાએ કરેલી ફરિયાદ અનુસાર ગુરુવારે તેઓ ક્લિનિકમાં દરદીઓને તપાસી રહ્યા હતા. એ સમયે તેમની પાસે આવેલા એક દરદી પાસે રોકડ ન હોવાથી તેણે ગૂગલપે દ્વારા પૈસા મોકલ્યા હતા. એ અંગે કોઈ સંદેશો મળ્યો ન હોવાથી ફરિયાદીએ પોતાના બૅન્ક-ખાતાનું બૅલૅન્સ તપાસતાં તેમના ખાતામાંથી ૯.૯૪ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થઈ હતી. એ પછી તેમણે તરત જ બૅન્કમાં જઈને પૂછપરછ કરતાં તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી અજ્ઞાત યુવાને પૈસા સેરવી લીધા હોવાની માહિતી મળી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
વિરાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુશીલ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ફરિયાદીએ ઓટીપી કે પછી પોતાના બૅન્ક-અકાઉન્ટની કોઈને માહિતી આપી નહોતી. એમ છતાં તેમના અકાઉન્ટમાંથી આશરે આઠ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા ઉપાડવામાં આવ્યા હતા. આ પૈસા કેવી રીતે ઊપડ્યા એની માહિતી કાઢવામાં આવી રહી છે. એની સાથે જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એની પણ માહિતી કાઢવામાં આવી રહી છે.’