02 October, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-ઈસ્ટમાં આવેલા દૌલતનગરના રોડ નંબર ૧૦ પર આવેલી શેઠ ડી. એમ. હાઈ સ્કૂલ (જે સ્વામીજી સ્કૂલ તરીકે ઓળખાય છે)માંથી શુક્રવારે ૮૦,૦૦૦ રૂપિયાની રોકડ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)નાં સર્ટિફિકેટ અને હાર્ડ-ડિસ્ક ચોરાયાંની ફરિયાદ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. કેસની તપાસ કરી રહેલી પોલીસને શંકા છે કે આ ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવો જોઈએ.
શેઠ ડી. એમ. હાઈ સ્કૂલના ૫૩ વર્ષના પ્રિન્સિપાલ રાજીવ મિશ્રાએ આ સંદર્ભે પોલીસ-ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર શુક્રવાર ૨૭ સપ્ટેમ્બરે સ્કૂલનો પ્યુન ગંગારામ પરબ સવારે સવાછ વાગ્યે સ્કૂલમાં આવ્યો ત્યારે તેણે જોયું કે સ્કૂલની ઑફિસના દરવાજાનું લૉક તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. એથી તેણે પ્રિન્સિપાલને જાણ કરી હતી, તેઓ પણ તરત આવી પહોંચ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રિન્સિપાલની ઑફિસ અને સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસનાં લૉક તોડવામાં આવ્યાં હતાં અને એમાંથી ચોરી થઈ હતી. ૮૦,૦૦૦ની કૅશ ઉપરાંત FDનાં સર્ટિફિકેટ અને હાર્ડ-ડિસ્ક પણ ચોરાયાં છે.
આ સંદર્ભે માહિતી આપતાં કસ્તુરબા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેશ નંદિમઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચોરી સંદર્ભે અમે તપાસ ચલાવી રહ્યા છીએ. કૅશ ચોરાઈ એ સમજી શકાય, પણ ફિક્સ્ડ ડિપોઝિટનાં સર્ટિફિકેટ ખોવાય એ અજીબ છે. જ્યાં સુધી એ એન્ડોર્સ અને સહી કરેલાં ન હોય ત્યાં સુધી એ એન્કૅશ ન કરી શકાય એટલે એ ચોરી જવાનું શું પ્રયોજન હોઈ શકે. બીજું હાર્ડ-ડિસ્ક ચોરાઈ છે. એથી આ ચોરીમાં કોઈ અંદરની જ વ્યક્તિ અથવા જાણભેદુ હોઈ શકે એવી અમને શંકા છે. અમે સ્કૂલના ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ ચેક કર્યાં છે, જેમાં બે ઉંમરલાયક અને તેમની સાથે બે યુવાનો દેખાઈ રહ્યા છે. તે કોણ છે એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’