બોરીવલીના ઉદ્યોગપતિ સાથે થઈ ૮.૪૬ કરોડ રૂપિયાની છેતર​પિંડી

26 February, 2024 07:35 AM IST  |  Mumbai | Mehul Jethva

દુબઈથી મિથેનોલ મગાવવા માટે ૨૦ ટકા રૂ​પિયા ઍડ્વાન્સ ચૂકવ્યા, પણ ત્યાંથી માલ મોકલ્યાની જે રસીદ આવી એ ખોટી હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીના કેમિકલ એક વેપારીનો ગયા વર્ષે એક યુવાને સંપર્ક કરી મોટી ક્વૉન્ટિટીમાં દુબઈથી મિથેનોલ અપાવવાનું કહી આશરે ૨૦ ટકા એટલે કે ૮.૪૬ કરોડ રૂપિયા ઍડ્વાન્સ સ્વીકાર્યા હતા. તે યુવાને ત્યાર બાદ માલની ડિ​લિવરી માટેની બીએલ (બિલ ઑફ લૅન્ડિંગ) રિસીટ મોકલી હતી. ફરિયાદીએ એ રિસીટ અંગે વધુ તપાસ કરતાં એ ખોટી હોવાનું સામે આવ્યું હતું. અંતે તેણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર રામનગર લેન વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને એસ. વી. રોડ પરની પ્રીમિયમ રીટેલ પ્રિમાઇ​સિસ ઑરા બીપ્લેક્સમાં સુદર્શન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની નામે કેમિકલનો વ્યવસાય કરતા ૩૯ વર્ષના સચિન મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર જુલાઈ ૨૦૨૩માં મિથેનોલ સપ્લાય માટે તેમની વાત એક બ્રોકર સાથે થઈ હતી. તેમના પ્રસ્તાવ મુજબ આ મિથેનોલ દુબઈથી આવશે એવી માહિતી આપવામાં આવી હતી. એ પછી તેમની મુલાકાત મુંબઈસ્થિત એક હોટેલમાં દુબઈસ્થિત બિઝનેસમૅન નંદ છાબરિયા સાથે થઈ હતી. એમાં ફરિયાદીએ મિથેનોલ ખરીદવાનું નક્કી કર્યું હતું. એ બેઠકમાં દરખાસ્ત મુજબ ફરિયાદીએ ૨૦,૦૦૦ ટન મિથેનોલ જેની ભારતીય કિંમત આશરે ૪૨.૩૪ કરોડ રૂપિયા થતી હતી એના ૨૦ ટકાના અગાઉથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાકીના ૮૦ ટકા માલની સંપૂર્ણ ડિલિવરી પછી ચૂકવવામાં આવશે એમ નક્કી થયું હતું. એ અનુસાર ફરિયાદીની કંપની વતી મિથેનોલનો પર્ચેસ ઑર્ડર કાઢ્યા બાદ ૮.૪૬ કરોડ રૂપિયા ઍડ્વાન્સરૂપે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ૨૦ ટકા ચુકવણી કર્યા પછી ફરિયાદીએ નંદ છાબરિયાને વૉટ્સઍપ દ્વારા માલની ડિલિવરી વિશે પૂછપરછ કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં માલ મોકલવામાં આવશે. એ પછી માલ કેટલાક દિવસો સુધી ન આવતાં ફરિયાદીએ ફરી છાબ​રિયાનો સંપર્ક કરતાં તેણે ઑગસ્ટમાં માલ લોડ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. એ સાથે તેણે માલ ૨૫ ઑગસ્ટ સુધી કંડલા પોર્ટ પર પહોંચશે એવી માહિતી આપી હતી. એટલું જ નહીં, રિસીટ પણ મોકલી હતી. એ રિસીટ વિશે વધુ તપાસ કરતાં એ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. અંતે આ વ્યવહાર શંકાસ્પદ જણાતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી ફરિયાદીને સમજાઈ હતી. ત્યાર બાદ આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરી નથી. આ કેસ અંગે વધુ તપાસ કરવામાં માટે અમારી એક ટીમ માહિતી કાઢી રહી છે.

mumbai news mumbai borivali Crime News