19 January, 2023 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિટિંગની તૈયારીઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીકેસી ગ્રાઉન્ડ્સમાં આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અહીં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં સાડાચાર વાગ્યાથી લોકોની તેમ જ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે. આથી ભારત ડાયમન્ડ બુર્સના મેમ્બરોએ પોતાના સ્ટાફને બપોરના ૧૨ વાગ્યે રજા આપવાની સૂચના આપી છે. બાંદરા રેલવે સ્ટેશનેથી બીકેસી વચ્ચે ચાલતી બેસ્ટની બસો પણ આ સમય દરમ્યાન બંધ કરી દેવામાં આવશે એટલે ડાયમન્ડના ધંધા સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો આજે કાં તો વહેલા નીકળી જશે અથવા તો બીડીબી આવશે જ નહીં. આથી મોટા ભાગનું કામકાજ ઠપ રહેવાની શક્યતા છે.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ભારત ડાયમન્ડ બુર્સની સામે આવેલા ગ્રાઉન્ડમાં આજે રાતના સાડાસાત વાગ્યાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી અહીં સાડાચાર વાગ્યાથી મોડી રાત સુધી લોકો અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત ડાયમન્ડ બુર્સના મેમ્બરોને અહીંના સિક્યૉરિટી અને ફાયર સેફ્ટી વિભાગે ભારત ડાયમન્ડ બુર્સના સભ્યોને બપોરના ૧૨ વાગ્યે ઑફિસો બંધ કરીને સ્ટાફને બહાર નીકળવાની સૂચના આપી છે.
આ સૂચનામાં લખવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં અંદાજે ૭૫,૦૦૦ લોકો આવવાની શક્યતા છે એટલે કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે ભારત ડાયમન્ડ બુર્સનાં વાહનો અને મેમ્બરોની અવરજવર માટેના મોટા ભાગના ગેટ સાડાચાર વાગ્યાથી બંધ કરી દેવાશે. આ સમય પહેલાં જેમને બહાર નીકળવું હોય એ નીકળી જાય અથવા રાતના જાહેર સભા પૂરી થયા બાદ ગેટ ખૂલશે અને ત્યાં સુધી અંદર જ રહેવું પડશે.
અડધો જ દિવસ કામકાજ થવાનું હોવાથી મોટા ભાગના બુર્સના મેમ્બરો અને દલાલો આજે બુર્સમાં આવવાનું માંડી વાળશે. આ વિશે મલાડમાં રહેતા વિજય પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે બધા દસ વાગ્યે ઑફિસે પહોંચે છે. ઑફિસ બપોરના ૧૨ વાગ્યે બંધ કરી દેવાની હોય તો આટલા સમયમાં કોઈ કામ થવાની શક્યતા નથી. આથી અમે ઑફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મારી જેમ મોટા ભાગના લોકો અને દલાલો પણ બે કલાક માટે બીકેસીનો ધક્કો ખાવા નહીં આવે. આથી કામકાજ ઠપ જ રહેશે.’
બપોરના ત્રણેક વાગ્યાથી બાંદરા રેલવે સ્ટેશનથી બીકેસી વચ્ચે ચાલતી બેસ્ટની બસો પણ બંધ કરી દેવામાં આવવાની હોવાની બિનસત્તાવાર સૂચના જારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ભારત ડાયમન્ડ બુર્સમાં દરરોજ સરેરાસ પચાસ હજાર લોકો આવે છે, જે મોટા ભાગે બસમાં પ્રવાસ કરે છે. બપોર બાદ બેસ્ટની બસો બંધ થઈ જવાની હોય તો તેઓ રિક્ષાના પચાસથી સાઠ રૂપિયા ખર્ચીને કામકાજ માટે આવવાની શક્યતા નહીંવત્ છે ત્યારે આવવાનું ટાળશે એવું જાણવા મળ્યું હતું.
સ્ટેજ પર ૫૦ ફીટ લાંબી અને ૨૦ ફીટ પહોળી એલઈડી સ્ક્રીન મુકાશે
બીકેસીમાં વડા પ્રધાનની જાહેર સભામાં દોઢેક લાખ લોકો આવવાની શક્યતા છે ત્યારે દૂર સુધી બેસેલા લોકો સ્ટેજ પરની હિલચાલ જોઈ શકે એ માટે સ્ટેજ પર ૫૦ ફીટ લાંબી અને ૨૦ ફીટ પહોળી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે. અહીં ગઈ કાલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને અંદાજ મૂકવામાં આવ્યો છે એટલા લોકો માટે સોફા અને ખુરસીઓ મૂકવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.