આવતા વર્ષે BESTની ૯૮૫ બસમાંથી ૭૦૦ બસ ભંગારમાં જવાની

18 December, 2024 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રશાસને પરિસ્થિતિને પહોંચી વળવા નવી ઇલેક્ટ્રિક બસનો ઑર્ડર આપ્યો છે, પણ એ કંપની ડિલિવરી જ નથી કરી રહી : બસ ઓછી થઈ જવાની હોવાથી આવનારા દિવસોમાં મુંબઈગરાને થઈ શકે છે મુશ્કેલી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાના પ​બ્લિક ટ્રાન્સપોર્ટના બે ​મુખ્ય ​વિકલ્પોમાં એક છે લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન અને બીજો બૃહન્મુંબઈ ઇલે​ક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ. આવતા વર્ષે BESTની ૭૦૦ બસ ઓછી થવાની છે ત્યારે આગામી દિવસોમાં મુંબઈગરાને અગવડ પડી શકે એમ છે.

BESTના કાફલામાં હાલ ૨૮૮૫ બસ છે, જેમાંથી BESTની પોતાની માલિકીની ૯૮૫ બસ છે અને બાકીની ૧૯૦૦ બસ ભાડાની-કૉન્ટ્રૅક્ટ પર છે. આવતા વર્ષના અંત સુધીમાં BESTની જે પોતાની ૯૮૫ બસ છે એમાંની ૭૦૦ બસની સરકારી નિયમ મુજબ ૧૫ વર્ષની નિર્ધારિત થયેલી લાઇફ પૂરી થઈ જવાથી એને ભંગારમાં કાઢી નખાશે. એ પછી એની પોતાની માલિકીની બસની સંખ્યા ઘટીને ૨૮૫ જ રહી જશે. એકસાથે આટલી મોટી સંખ્યામાં બસ ઓછી થવાથી એની અસર મુંબઈગરાને થઈ શકે છે.

જોકે BEST દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી છે. એણે એક કંપની સાથે ૨૧૦૦ ​સિંગલ-ડેકર ઇલે​ક્ટ્રિક બસ ભાડા પર પૂરી પાડવાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં એમાંથી માત્ર ૨૦૭ જ બસ BESTના કાફલામાં દાખલ થઈ છે. BEST દ્વારા બાકીની બસ આપવા માટે તેમને વાંરવાર નોટિસ મોકલવામાં આવી હોવા છતાં એ બસો આવી નથી. અધૂરામાં પૂરું BEST દ્વારા આ જ કંપનીને બીજી ૨૪૦૦ બસ પૂરી પાડવાનો પણ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. હજી પહેલા લૉટની ૨૧૦૦ બસ આવે એ પછી બીજા લૉટની ૨૪૦૦ બસ આવશે એમ કહેવાઈ રહ્યું છે. બીજું, BEST દ્વારા ૨૦૦ ડબલ-ડેકર AC બસનો ઑર્ડર એક કંપનીને આપવામાં આવ્યો છે. જોકે એમાંથી પણ માત્ર પચાસ બસ જ સપ્લાય થઈ છે.

સરકારી નિયમ મુજબ વાહન ૧૫ વર્ષની મુદત પૂરી કરે એટલે એને ભંગારમાં કાઢી નાખવામાં આવે છે. એથી જો ૭૦૦ બસ ઓછી થશે તો એની અસર મુંબઈની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર વર્તાશે એ નક્કી છે. 

mumbai news mumbai brihanmumbai electricity supply and transport road accident mumbai traffic mumbai traffic police