મીરા-ભાઈંદરમાં ૧૯૮૪ પહેલાંની ૭૦ ટકા ઇમારતોને રીડેવલપ કરવાનો રસ્તો ખૂલ્યો

08 October, 2024 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે જૂનાં બિલ્ડિંગોના રીડેવલપમેન્ટની નીતિને માન્યતા આપી

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદરમાં ગ્રામપંચાયતના સમયથી નિયમોનો ભંગ કરીને અથવા ગેરકાયદે ઇમારતો ઊભી કરવામાં આવી હતી. આ ઇમારતો અત્યારે જર્જરિત હાલતમાં છે અને એના રીડેવલપમેન્ટમાં અડચણ આવી રહી હોવાની ફરિયાદ અહીંના વિવિધ રાજકીય પક્ષ અને હાઉસિંગ સોસાયટીઓએ રાજ્ય સરકારને કરી હતી. હજારો પરિવાર અને લાખો લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂની ઇમારતોને રીડેવલપ કરવા માટેની નીતિને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ નીતિમાં કાયદેસર ઇમારતોને રીડેવલપ કરવા માટે અપાતી પરવાનગીની જેમ ૧૯૮૪ પહેલાં નિયમોનો ભંગ કરીને અથવા તો ગેરકાયદે બાંધવામાં આવેલાં બિલ્ડિંગોનું અમુક શરતો સાથે રીડેવલપમેન્ટ થઈ શકશે.

મીરા-ભાઈંદરમાં ખાસ કરીને ભાઈંદર-ઈસ્ટમાં ખારીગાવ, ગોડદેવ, નવઘર વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ૧૯૮૪ પહેલાં ગેરકાયદે ઇમારતો બાંધવામાં આવી હતી. અત્યારે આ બિલ્ડિંગો જર્જરિત થઈ ગયાં છે અને રીડેવલપ કરવાની જરૂર છે, પણ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ટાઉન-પ્લાનિંગ વિભાગના રેકૉર્ડમાં આ બિલ્ડિંગ નથી. આથી રીડેવલપ કરવાની મુશ્કેલી આવી રહી છે. આ સમસ્યા ગંભીર હોવાથી રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ માટેની નવી નીતિને મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

mira road bhayander mira bhayandar municipal corporation mumbai mumbai news