ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, MMRDA, RBI મુંબઈ પોલીસના દેવાદાર

05 November, 2024 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિક્યૉરિટી સર્વિસ લીધા પછી પણ વર્ષોથી પેમેન્ટ નથી કર્યું : શહેરની પોલીસે વિવિધ એજન્સીઓ પાસેથી ૭ કરોડ રૂપિયા કરતાં વધુની રકમ લેવાની નીકળે છે

ફાઇલ તસવીર

મુંબઈ પોલીસની સિક્યૉરિટી સર્વિસ લેનાર ૧૪ સરકારી એજન્સીઓએ પોલીસને ૭,૧૦,૬૭,૨૫૨ રૂપિયા ચૂકવવાના નીકળે છે પણ એ ચુકવણી એ કરતી ન હોવાથી પોલીસ એ રકમ કઈ રીતે વસૂલવી એની ગડમથલમાં છે. વળી એમાં સૌથી વધુ રકમ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ચૂકવવાની નીકળે છે, જ્યારે એ પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMDRA)અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો નંબર લાગે છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતીના જવાબમાં આ આંકડો પોલીસ દ્વારા જ જણાવવામાં આવ્યો છે.

RTIના જવાબમાં જણાવ્યા મુજબ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લાં છ વર્ષમાં રેઇડ પાડતી વખતે અને અન્ય કાર્યવાહી વખતે પોલીસની સિક્યૉરિટી સર્વિસ લેવામાં આવી હતી. એણે છેલ્લાં ૬ વર્ષમાં લીધેલી આ પોલીસ સર્વિસ સામે ૪.૮૫ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે. MMRDA દ્વારા ૨૦૧૭થી પોલીસ-બંદોબસ્તની સર્વિસ સામે ૧.૧૧ કરોડ ચૂકવવાના બાકી છે. RBIએ જાન્યુઆરી ૨૦૧૮થી લઈ અને માર્ચ ૨૦૨૦ સુધીમાં લીધેલી પોલીસ સિક્યૉરિટી સામે ૪૫.૭૧ લાખ રૂપિયાના બિલનું પેમેન્ટ નથી કર્યું.

સિક્યૉરિટી મેળવવા માગતી સરકારી એજન્સીઓ દ્વારા આ માટે મુંબઈના પોલીસ-કમિશનરને કહેવામાં આવે છે. એ પછી એ અરજી ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને ફૉર્વર્ડ કરવામાં આવે છે. તેઓ એ વેન્યુ કે કાર્યવાહી વખતે એ દિવસે, એ સમયે કેટલા પોલીસ-કર્મચારીઓ જોઈશે  એની વિગતો કઢાવે છે અને એ પછી એ જરૂરિયાત પ્રમાણે એજન્સીને પોલીસ-કર્મચારીઓની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. એ માટે ૧૨ કલાકની ડ્યુટીના કર્મચારીદીઠ ૫૪૮૬થી લઈને ૧૩,૫૬૯ રૂપિયા તેમની પોસ્ટ પ્રમાણે ચાર્જ કરવામાં આવે છે. એ એજન્સીઓને ત્યાર  બાદ બિલ મોકલવામાં આવે છે. જોકે અનેક રિમાઇન્ડર મોકલાવ્યા છતાં તેમના તરફથી એ પેમેન્ટ કરવામાં આવતું નથી એમ એક  પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું.

પોલીસને બિલ પેમેન્ટ ન કરવામાં દેવનાર કતલખાનું અને નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો પણ સમાવેશ થાય છે.

mumbai police income tax department mumbai metropolitan region development authority reserve bank of india mumbai mumbai news