05 August, 2024 06:51 AM IST | Mumbai | Bakulesh Trivedi
ચૅરમૅને બચકું ભરીને અંગૂઠાના બે ટુકડા કરી નાખ્યા બાદ લોહીલુહાણ અંગૂઠો દેખાડતા આદિત્ય દેસાઈ.
હાઉસિંગ સોસાયટીની સ્પેશ્યલ જનરલ મીટિંગમાં મેમ્બરો દ્વારા વિવિધ મુદ્દે કમિટી મેમ્બરો અને સોસાયટીના પદાધિકારીઓનો વિરોધ કરવામાં આવતો હોય છે. એમાં સામસામે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ થતા હોય છે. એમાં પાછા કેટલાક મેમ્બરો એકની બાજુ લે તો કેટલાક બીજાની બાજુ લે એવું પણ મુંબઈની મોટા ભાગની સોસાયટીઓમાં બનતું રહેતું હોય છે. મુંબઈગરાઓ માટે આ નવું નથી. જોકે MHB પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં આવેલી એક સોસાયટીની મીટિંગમાં જે બન્યું એ બહુ જ ચોંકાવનારું હતું. મેમ્બર અને સોસાયટીના ચૅરમૅન વચ્ચે થયેલો ઝઘડો એટલે વકર્યો કે ૬૭ વર્ષના ચૅરમૅન એક મેમ્બરને પછાડીને તેના પર ચડી બેઠા, ગુસ્સામાં તેને આંખ પાસે મુક્કો માર્યો અને અંગૂઠામાં બચકું ભરીને એના બે ટુકડા કરી નાખ્યા.
આ ચોંકાવનારી ઘટના ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં નારાયણ મ્હાત્રે રોડ પર આવેલા અમરનાથ અપાર્ટમેન્ટની મીટિંગમાં બની હતી. એની ગંભીરતા જોતાં ત્યાર બાદ અંગૂઠો ગુમાવનારા ૪૪ વર્ષના મેમ્બર આદિત્ય દેસાઈએ MHB પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ૬૭ વર્ષના આરોપી નિત્યાનંદ પરિહારે પણ આદિત્ય દેસાઈ સામે ગાળો આપવા બદલ ફરિયાદ કરી છે. જોકે પોલીસે એ બાબતને ગૌણ ગણીને અદખલપાત્ર (નૉન-કૉગ્નિઝેબલ) ફરિયાદ નોંધી છે.
આ ઘટનાની વિગતો આપતાં આ કેસના ફરિયાદી આદિત્ય દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સોસાયટીમાં ફ્લૅટ ધરાવું છું અને હાલ એ ફ્લૅટ મેં ભાડે આપ્યો છે. બીજું, અમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જઈ રહ્યું છે. એ સંદર્ભે કેટલીક બાબતો એવી છે જેની સાથે હું સહમત નથી એટલે એનો વિરોધ કરું છું. એથી ચૅરમૅન અને અન્ય મેમ્બરો મારી વિરુદ્ધમાં છે. ચૅરમૅન મારા ભાડૂતને ખોટી રીતે હેરાન કરે છે. મારો ભાડૂત તેના કામને લઈને રાતે મોડો ઘરે આવે છે તો ચૅરમૅન વૉચમૅનને લૉક લગાવવા કહે છે એટલું જ નહીં, તેને અંદર આવવા દેવાની પણ ના પાડે છે. સિક્યૉરિટી માટે લૉક લગાવવું બરાબર છે, પણ તે રાતના મોડા આવે તો ખોલવાની ના પાડવી એ બરાબર નથી. આ બાબતે મેં ચૅરમૅન સામે ગયા અઠવાડિયે જ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ચૅરમૅને સિક્યૉરિટી ગાર્ડને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઝૂંપડું બનાવવા દીધું છે તથા તેને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડીને ટૉઇલેટ બનાવવાની પણ મંજૂરી આપી છે. આમ તેમણે એ બધું જ ગેરકાયદે કરતાં મેં એની સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં વૉર્ડ સ્તરે ફરિયાદ કરી છે એટલે તે મારા પર ભડક્યા છે. એથી સોસાયટીની ગઈ કાલે સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવી હતી. એમાં સામસામે આક્ષેપો થયા બાદ તેમણે મારા પર હુમલો કર્યો હતો અને અંગૂઠામાં બચકું ભરીને એના બે ટુકડા કરી નાખ્યા હતા. મેં આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ કરી છે અને ડૉક્ટરને કન્સલ્ટ કર્યા છે. આજે મારી સર્જરી નક્કી થઈ છે. સ્કિન-ડ્રાફ્ટિંગ કરી કૉસ્મેટિક સર્જરી કરીને મારો એ અંગૂઠો જોડવા એ સર્જરી થવાની છે.’