31 October, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુરજીભાઈ દામા
મુલુંડ-વેસ્ટના વિકાસ પૅરેડાઇઝ ટાવરમાં રહેતા ૬૫ વર્ષના મુરજીભાઈ દામાનું સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ સ્વિમિંગ દરમ્યાન મૃત્યુ થયું હોવાની માહિતી મુલુંડ પોલીસે આપી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે મુરજીભાઈની ડેડ-બૉડી તાત્કાલિક પોસ્ટમૉર્ટમ માટે મોકલતાં કૉઝ-ઑફ-ડેથમાં હાર્ટ-અટૅકનો રિપોર્ટ પોલીસને મળ્યો છે એટલે પોલીસે aહાલ આ કેસ વિશે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મુરજીભાઈ પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખતા હતા, રોજ મૉર્નિંગ-વૉક સાથે સ્વિમિંગ કરવું એ તેમનો નિત્ય ક્રમ હતો એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ વાયભીષેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ વિકાસ પૅરેડાઇઝ ટાવરના સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ માટે ગયા હતા. આશરે પંદર મિનિટ સ્વિમિંગ કર્યા બાદ તેઓ બેહોશ થઈ ગયા હોવાનું ત્યાં સ્વિમિંગ કરી રહેલી એક વ્યક્તિએ જોયું હતું એટલે તાત્કાલિક તેણે ડ્યુટી પરના સિક્યૉરિટી ગાર્ડને માહિતી આપી હતી. ત્યાર પછી તેમને સ્વિમિંગ-પૂલમાંથી બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ત્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે પરિવાર અને બીજા લોકોએ આપેલી માહિતી પ્રમાણે મુરજીભાઈની ફિટનેસ ખૂબ જ સારી હતી તો તેમનું ડેથ કેવી રીતે થયું એ પાછળનું કારણ જાણવા અમે તેમનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટમાં તેમનું મૃત્યુ હાર્ટ-અટૅકથી થયું હોવાનું સામે આવ્યું છે.’
‘મિડ-ડે’એ મુરજીભાઈના પુત્ર અનિલ દામા પાસે વધુ માહિતી મેળવવાની કોશિશ કરતાં તેમણે અત્યારે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.