ડીઆરઆઇએ ઑપરેશન ગોલ્ડ રશ હેઠળ ૬૫.૪૬ કિલો સોનું પકડ્યું

22 September, 2022 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડીઆરઆઇએ આ કાર્યવાહી હેઠળ વિદેશી બનાવટનાં સોનાનાં ૩૪૯ બિસ્કિટ જપ્ત કર્યાં હતાં

ડીઆરઆઇએ સોનાનાં ૩૪૯ બિસ્કિટ જપ્ત કર્યાં હતાં

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈ, દિલ્હી અને પટનાથી ઑપરેશન ગોલ્ડ રશ હેઠળ ૩૩.૪૦ કરોડ રૂપિયાની કિંમતનું  ૬૫.૪૬ કિલો દાણચોરીથી લાવવામાં આવેલું સોનું ઝડપી લીધું હતું. ડીઆરઆઇએ આ કાર્યવાહી હેઠળ વિદેશી બનાવટનાં સોનાનાં ૩૪૯ બિસ્કિટ જપ્ત કર્યાં હતાં. દેશના નાણાં મંત્રાલય દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પાડોશના ઉત્તર-પૂર્વીય દેશમાંથી આ સોનું દાણચોરીથી દેશમાં ઘુસાડવામાં આવ્યું હતું.  

ગુપ્ત એજન્સીઓને એવી માહિતી મળી હતી કે સોનાની દાણચોરી કરતી એક સિન્ડિકેટ ઍક્ટિવ થઈ છે અને એ મિઝોરમમાંથી સોનું ઘુસાડે છે અને સ્થાનિક કુરિયર દ્વારા લૉજિસ્ટિક કંપની દ્વારા દેશના અન્ય ભાગોમાં સપ્લાય કરાય છે. એથી આ સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી અને એને ઝડપી લેવા ઑપરેશન ગોલ્ડ રશ હાથ ધરવામાં આવ્યું હતું.  

ઑપરેશન ગોલ્ડ રશ હેઠળ મળેલી માહિતી અંતર્ગત ભિવંડીમાં ‘પર્સનલ ગુડ્સ’ના ઓઠા હેઠળ મોકલવામાં આવેલા એક કન્સાઇન્ટમેન્ટને તપાસવામાં આવતાં એમાંથી ૧૦.૧૮ કરોડ રૂપિયાનાં સોનાનાં ૧૨૦ બિસ્કિટ મળી આવ્યાં હતાં, જેનું કુલ વજન ૧૯.૯૩  કિલો થતું હતું.

એ પછી એ કન્સાઇન્ટમેન્ટની વિગતો તપાસતાં એ જ લૉજિસ્ટિક કંપની દ્વારા એ જ પાર્ટીએ મોકલાવેલાં બે અન્ય કન્સાઇન્મેન્ટની પણ તપાસ હાથ ધરાઈ હતી. એક કન્સાઇન્મેન્ટ પટનાથી રિકવર કરાયું હતું, જેમાં ૧૭૨ સોનાનાં બિસ્કિટ હતાં. એનું વજન ૨૮.૫૭ કિલો હતું અને એની કિંમત ૧૪.૫૦ કરોડ રૂપિયા થતી હતી. એ પ્રમાણે ત્રીજું કન્સાઇન્મેન્ટ દિલ્હીમાં એ લૉજિસ્ટિક કંપનીના મુખ્ય ગોડાઉનમાંથી જપ્ત કરાયું હતું. એમાં સોનાનાં ૧૦૨ બિસ્કિટ હતાં. આમ કુલ મળી ૬૫.૪૬ કિલો દાણચોરીનું સોનું ડીઆરઆઇએ જપ્ત કર્યું હતું. આ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે. 

mumbai mumbai news