14 September, 2023 10:10 AM IST | Mumbai | Rohit Parikh
ડૉ. પરાગ શાહ
ઘાટકોપરના ૬૨ વર્ષના ડૉ. પરાગ શાહે શુક્રવાર ૮ સપ્ટેમ્બરે વિશ્વની સૌથી ઊંચી અને સૌથી અઘરી લદાખ મૅરથૉન એના કટ ઑફ ટાઇમની અંદર સફળતાપૂર્વક પાર પાડી હતી. આ પહેલાં તેમણે ફેબ્રુઆરીમાં વિશ્વમાં પ્રથમ વાર યોજાયેલી પૅન્ગૉન્ગ ફ્રોઝન લેક મૅરથૉન અને ત્યાર પછી ૩૧ ઑગસ્ટે ૪૨ કિલોમીટરની રેઝાંગ લા ફુલ મૂન મૅરથૉન પૂરી કરી હતી. આમ એક જ વર્ષમાં ડૉ. પરાગ શાહે મૅરથૉનની હૅટ-ટ્રિક કરી હતી.
૭૨ કિલોમીટરની ખારદુંગ લા ચૅલેન્જ (૫૩૭૦ મીટર) હાલમાં વિશ્વની સૌથી ઊંચી અલ્ટ્રા મૅરથૉનમાંની એક છે. આ મૅરથૉન અન્ય મૅરથૉનથી વિપરીત છે, જે ૪૨ કિલોમીટરથી વધુ અંતરની હોવાથી અલ્ટ્રા મૅરથૉન તરીકે ઓળખાય છે. આ મૅરથૉનના પ્રતિભાગીઓએ આ મૅરથૉન (રેસ) માટે અનુકૂળ થવા માટે ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલાં લેહ પહોંચી જવું પડે છે. આ અલ્ટ્રા મૅરથૉનમાં બે રેસ ઑફર કરવામાં આવે છે, જેમાં ૩૨ કિલોમીટર ખારદુંગ લા ચૅલેન્જ જે સૌથી ઊંચી અલ્ટ્રા મૅરથૉન (૧૫૦૦ મીટર પર્વત ઉપર) અને ત્યાર પછી ૩૨ કિલોમીટર નીચાણ તરફ અને આઠ કિલોમીટર ચડાણ-ઉતાર રસ્તા પર દોડવાનું હોય છે.
આ મૅરથૉન વિશેની માહિતી આપતાં ડૉ. પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અલ્ટ્રા મૅરથૉન લદાખની ઐતિહાસિક રાજધાની લેહમાં અને એની આસપાસ યોજાય છે. આ મૅરથૉન પૂરી કરવાથી પ્રાઉડ ફીલ થાય છે, જે જીવનભર યાદગાર બની રહે છે. આ મૅરથૉન ફીટેસ્ટ અને અનુભવી મૅરથૉન રનર્સ માટે જ યોજાય છે, જેમાં ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પર ૬૦ કિલોમીટર સુધી દોડવાનું હોય છે, જ્યાં ફક્ત ૪૯ ટકા ઑક્સિજન-લેવલ હોય છે, જેનું આયોજન અસોસિએશન ઑફ ઇન્ટરનૅશનલ મૅરથૉન્સ ઍન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા કરવામાં આવે છે. આ મૅરથૉનમાં ફક્ત ૨૦૦ લોકોને જ ભાગ લેવા મળે છે. આ વર્ષે મુંબઈના ૧૩ રમતવીરો સહિત ૧૯૦ રમતવીરોએ મૅરથૉનમાં ભાગ લીધો હતો. એમાં પણ ૫૦ વર્ષથી ઉપરની કૅટેગરીમાં ૧૦ જણ અને ૬૦ વર્ષથી ઉપરના ફક્ત ત્રણ જણ હતા. એમાં પણ મુંબઈના ગુજરાતી ડૉ. પરાગ શાહ એકલા હતા.
મૅરથૉનના તેમના અનુભવની જાણકારી આપતાં ડૉ. પરાગ શાહે કહ્યું કે ‘આ મૅરથૉનની શરૂઆત વહેલી સવારે કડકડતી ઠંડીમાં ત્રણ વાગ્યે કરવામાં આવે છે, જેનો કટ ઑફ ટાઇમ ૮ કલાકનો હોય છે, જેમાં છેલ્લાં ત્રણ કિલોમીટર સૌથી વધુ ટફ હોય છે. મને ૯.૩૦ વાગ્યે સૌથી મુશ્કેલ ભાગને પાર કરવામાં સફળતા મળી હતી. જોકે નીચે ઊતરતી વખતે સામાન્ય રીતે ચડાણ કરતાં ઓછો સમય લાગે છે, પણ મારા હાથ અને પગમાં સોજા આવી ગયા હોવાથી મને થોડું આકરું લાગ્યું હતું છતાં મેં એને એના ૧૪ કલાકના કટ ઑફ ટાઇમ કરતાં ૧૧ મિનિટ વહેલી પૂરી કરી હતી.’
આ સાથે ૨૦૨૩માં મેં મૅરથૉનમાં હૅટ-ટ્રિક પૂરી કરી હતી. આ સંદર્ભે ડૉ. પરાગ શાહે કહ્યું કે ‘ફેબ્રુઆરીમાં એલએએચડીસી લેહ એ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઑફ લદાખ (એએસએફએલ)ના સહયોગથી ફ્રોઝન પૅન્ગૉન્ગ લેક ખાતે ભારતની પ્રથમ અને વિશ્વની સૌથી ઊંચી ફ્રોઝન લેક હાફ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના લગભગ ૭૫ દોડવીરોએ ભાગ લીધો હતો. પૅન્ગૉન્ગ ફ્રોઝન લેક મૅરથૉનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વની સૌથી પહેલી ૨૧.૯ કિલોમીટરની હાફ મૅરથૉનમાં સ્થાન મળ્યું હતું. ભારત અને લદાખ માટે એક નવી સિદ્ધિ હતી. શિયાળામાં અહીં પાણી બરફમાં પરિવર્તિત થઈ જાય છે. આ હાફ મૅરથૉન લુકુંગ ગામથી શરૂ થઈ અને માન ગામમાં સમાપ્ત થઈ હતી, જેના પર પહેલી વાર મૅરથૉન યોજાઈ હતી, જે પૂરી કરવામાં પણ મને સફળતા મળી હતી.’
ત્યાર પછી આ જ ઑર્ગેનાઇઝેશન તરફથી ૩૧ ઑગસ્ટે ૪૨ કિલોમીટરની રેઝાંગ લા ફુલ મૂન મૅરથૉન પૂરી કરી હતી. આ સંદર્ભમાં ડૉ. પરાગ શાહે કહ્યું હતું કે ‘રેઝાંગ લા ફુલ મૂન મૅરથૉન આપણા બહાદુર સૈનિકોને અદ્ભુત શ્રદ્ધાંજલિ અને ઍથ્લેટિકિઝમની ઉજવણી કરવા માટે યોજાય છે. આ એ બહાદુર સૈનિકો હતા જેમણે ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં બલિદાન આપ્યું હતું.’