ગણપતિની મૂર્તિઓનાં વિસર્જનનો આ વર્ષે નવો રેકૉર્ડ થશે?

16 September, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩માં ૨.૦૫ લાખ મૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે અત્યાર સુધીમાં ૩૯૭૧ સાર્વજનિક સહિત કુલ ૧,૭૧,૪૫૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે, ગયા વર્ષના આંકડા કરતાં ૬૦૦૦ વધુ મૂર્તિઓનાં વિસર્જન

ગિરગામ ચોપાટી પર વિસર્જનની ચાલી રહેલી તૈયારી. (તસવીર : શાદાબ ખાન)

અનંત ચતુર્દશીએ ગણપતિની મૂર્તિઓનાં વિસર્જનમાં આ વર્ષે નવો રેકૉર્ડ સર્જાય એવી શક્યતા છે, કારણ કે ૨૦૨૩માં કુલ ૨,૦૫,૭૨૨ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, પણ આ આંકડામાં આ વર્ષે વધારે મૂર્તિઓ ઉમેરાય એવી ધારણા છે. આ વર્ષે છેલ્લા દિવસે આશરે ૪૦,૦૦૦ ગણેશમૂર્તિઓનાં વિસર્જન થવાની ધારણા છે. ૨૦૨૩ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ૬૦૦૦ વધારે મૂર્તિનું વિસર્જન થયું છે એથી નવો રેકૉર્ડ થવાની ધારણા છે. ગયા વર્ષ કરતાં ૪૦૦ વધારે સાર્વજનિક ગણેશ મંડળોની મૂર્તિનાં વધારે વિસર્જન થયાં છે.

કોવિડને કારણે ૨૦૨૦માં ઓછી ગણેશમૂર્તિનાં વિસર્જન થયાં હતાં, પણ એ પહેલાં ૨૦૧૯માં આ આંકડો બે લાખ મૂર્તિની નજીક પહોંચી ગયો હતો. પછીનાં બે વર્ષના આંકડા ઓછા હતા, પણ ગયા વર્ષે આ આંકડો બે લાખ મૂર્તિને પાર કરી ગયો હતો. એમાં ૧૦,૦૦૦ ગણેશમૂર્તિઓ સાર્વજનિક મંડળની હતી.

ગયા વર્ષે સાત દિવસમાં ૧,૬૫,૫૪૨ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, પણ આ આંકડો આ વર્ષે વધીને ૧,૭૧,૪૫૮ સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષના ૩૫૫૦ની સામે આ વર્ષે સાર્વજનિક મંડળોની મૂર્તિનાં વિસર્જનનો આંકડો ૩૯૭૧નો છે.

૨૦૨૩માં અનંત ચતુર્દશીએ ૬૯૫૧ સાર્વજનિક મંડળોની મૂર્તિઓ સહિત કુલ ૩૯,૭૫૮ ગણેશમૂર્તિનાં વિસર્જન થયાં હતાં, પણ આ વર્ષે આ આંકડો ૪૦,૦૦૦ મૂર્તિઓને પાર કરી શકે એમ છે.
સાર્વજનિક મંડળો છેલ્લા દિવસે એટલે કે અનંત ચતુર્દશીએ ગણેશમૂર્તિનું વિસર્જન કરે છે. આ વર્ષે સાર્વજનિક મંડળોના પંડાલનો આંકડો ઘટવા છતાં અત્યાર સુધી ૪૦૦ વધારે સાર્વજનિક ગણેશમૂર્તિઓનાં વિસર્જન થયાં છે. ૨૦૨૩નાં ૨૭૨૯ સાર્વજનિક મંડળોની સામે આ વર્ષે ૨૬૩૫ મંડળને પંડાલ લગાવવાની પરવાનગી અપાઈ હતી. આ મુદ્દે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના નરેશ દહિબાવકરે જણાવ્યું હતું કે ઘણી હાઉસિંગ સોસાયટીઓ દર વર્ષે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરતી હોય છે પણ સમયના અભાવે તેઓ થોડા દિવસ માટે ઉત્સવ મનાવીને મૂર્તિનું વિસર્જન કરી દેતા હોય છે, એની સામે મોટાં સાર્વજનિક મંડળો ૧૦ દિવસ બાપ્પાની સ્થાપના કરતાં હોય છે.

ગણપતિ મૂર્તિનાં વિસર્જન
એક અને દોઢ દિવસ ૬૬,૩૩૯ (૪૨૦ સાર્વજનિક)
પાંચ દિવસ ૩૮,૭૧૭ (૧૦૯૫ સાર્વજનિક)
છ દિવસ ૪૮,૦૪૪ (૫૩૫ સાર્વજનિક)
સાત દિવસ ૧૮,૩૫૮ (૧૯૨૧ સાર્વજનિક)
કુલ૧,૭૧,૪૫૮ (૩૯૭૧ સાર્વજનિક)

વાર્ષિક ગણપતિ મૂર્તિ વિસર્જન
૨૦૧૯ ૧,૯૬,૪૮૩
૨૦૨૦ ૧,૩૫,૫૧૫
૨૦૨૧૧,૬૪,૭૬૧
૨૦૨૨ ૧,૯૩,૦૬૨
૨૦૨૩ ૨,૦૫,૭૨૨

આવતી કાલે આભ પણ અમીવર્ષા કરી ગણપતિબાપ્પાને આપશે વિદાય

આવતી કાલે દસ દિવસ સુધી ભક્તિભાવથી પૂજા કર્યા બાદ મુંબઈગરા ભીની આંખે તેના લાડકા બાપ્પાને વિદાય આપતા હશે અને પુઢચ્યા વર્ષી લવકર યા કહેતા હશે ત્યારે આભ પણ અમીવર્ષા કરતું હશે અને તેમને ભીની-ભીની વિદાય આપતું હશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલે ધોધમાર તો નહીં પણ આખો દિવસ છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે. હવામાન વિભાગે કુદરતી પરિબળોના અભ્યાસના આધારે કરેલી આગાહીમાં પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનાં હળવાંથી​ મધ્યમ ઝાપટાં પડતાં રહેશે એમ જણાવ્યું છે. 

mumbai news mumbai ganpati ganesh chaturthi festivals brihanmumbai municipal corporation mumbai monsoon