03 April, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બોરીવલીમાં રહેતા ૨૮ વર્ષના ચાર્ટર્ડ-અકાઉન્ટન્ટ વિવેક દવે રવિવારે કંપની તરફથી આયોજિત ક્રિકેટ-મૅચ રમવા ક્રૉસ મેદાન પર ગયા હતા. ક્રિકેટ રમતી વખતે પોતાનો મોબાઇલ અને પર્સ બૅગમાં રાખી એ બૅગ ગ્રાઉન્ડ પરના ટેન્ટમાં મૂકી ક્રિકેટ રમવા ગયા હતા. આશરે ૩ કલાક ક્રિક્રેટ રમી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પોતાનો મોબાઇલ હાથમાં લેતાં તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાંથી આશરે ૬.૭૨ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ જોયો હતો. વધુ તપાસ કરી તો એમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા ચોરે તેમના પાકિટમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચોરીને અને એના પિન બદલીને તમામ ટ્રાન્જેક્શન કર્યાં હતાં. અંતે ઘટનાની ફરિયાદ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.
વિવેક દવેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને રીગલ સિનેમા પાસેના ઑટોમૅટેડ ટેલર મશીન (ATM)માંથી ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં ૧ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. થોડી વારમાં જ કોલાબા વિસ્તારની જ્વેલરીની દુકાનમાંથી તેમના ક્રેડિટ કાર્ડ પર ૫,૭૨,૧૧૧ રૂપિયાના દાગીના ખરીદી કરવાનો મેસેજ પ્રાપ્ત થતાં અજ્ઞાત વ્યક્તિ સામે તેમનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચોરીને એના માધ્યમથી ૬,૭૨,૧૧૧ ઉપાડી લેવાની ફરિયાદ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.ચાર્ટર્ડ-અકાઉન્ટન્ટ વિવેક દવેનો ‘મિડ-ડે’એ સપર્ક કરી વધુ માહિતી જાણવાની કોશિશ કરી હતી. જોકે તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.