મા​હિમનાં ૫૪ વર્ષનાં મહિલા સાથે થયું એક લાખ રૂપિયાનું સાઇબર ફ્રૉડ

13 December, 2023 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માહિમ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધાકર શિરસાટે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : માહિમમાં રહેતા એક જાણીતા ક્રિકેટરનાં ૫૪ વર્ષનાં મમ્મી સાથે સોમવારે સાઇબર ફૉડની ઘટના બની હતી, જેમાં તેમના એક લાખ રૂપિયાની રકમ ગઠિયો ઓળવી ગયો હતો.
તે મહિલાને સોમવારે અ​મિતકુમાર નામના એક સાઇબર ગઠિયાએ ફોન કરીને કહ્યું હતું કે મેં તમારા પતિ પાસેથી ૧૫,૦૦૦ રૂપિયા લીધા હતા, જે મારે પાછા વાળવા‍ના છે અને તેમણે મને તમારા ગૂગલપે નંબર પર એ મોકલવા કહ્યું છે. ત્યાર બાદ તે મહિલાને ૧૦,૦૦૦ અને ૫૦,૦૦૦ રૂપિયા તેમના અકાઉન્ટમાં જમા થયા હોવાના મેસેજ મળ્યા હતા. ત્યાર બાદ ફરી તે વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ભૂલથી ૫૦,૦૦૦ રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા થઈ ગયા છે તો એ પૈસા પાછા મોકલો. જ્યારે તે મહિલાએ એ પાછા આપવાનો પ્રયાસ કર્યો ત્યારે એ પૈસા પાછા ગયા નહીં. એ પછી ફરી ગઠિયાએ અલગ-અલગ ફોન પરથી ફોન કરી તેમને વાતોમાં ભોળવીને તેમની પાસેથી બે વખત ૫૦,૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની તે ​મહિલાને જાણ થઈ એટલે તરત જ તેમણે આ સંદર્ભે માહિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સાબઇર ક્રાઇમની ફરિયાદ કરી હતી. 

માહિમ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધાકર શિરસાટે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. લાગતીવળગતી એજન્સીઓને ઈ-મેઇલ પણ કરી છે અને એ માટેનું પેપરવર્ક પણ કર્યું છે. જોકે આ સંદર્ભે હજી તેમની ડેબિટ થયેલી રકમ સીઝ થઈ શકી નથી કે ગઠિયાનો પણ પત્તો લાગ્યો નથી. આ બાબતે અમે ઝીણવટભરી તપાસ ચાલુ કરી છે.’

mahim mumbai news cyber crime