૧ કરોડ રૂપિયા ડૂબી ગયા અમે ઝીરો પર આવી ગયા

23 March, 2024 09:47 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અંબર દલાલની પૉન્ઝી સ્કીમમાં જીવનભરની બચત ગુમાવી બેઠાં છે આ પારસી મહિલા : છેતર​પિંડીનો આંકડો મોટો થતો જાય છે : ૩૫૦ જેટલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

અંબર દલાલની પૉન્ઝી સ્કીમમાં જિંદગીભરની બચત ગુમાવી દેનાર અંધેરીનાં ડેલ્ફી વાડિયા

અંધેરી-વેસ્ટમાં રિટ્ઝ કન્સલ્ટન્સી નામની ઑફિસ ખોલીને રોકાણકારોને વર્ષના ૨૧.૬ ટકાથી ૨૪ ટકા સુધીનું વ્યાજ નિયિમત આપનાર અને એ પછી ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયા સાથે નાસી ગયેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અંબર દલાલની સામે પહેલાં ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં અને ત્યાર બાદ છેતરપિંડીનો આંકડો બહુ મોટો થતો જતો હોવાથી ઇકૉનૉમિક ઑફેન્સિસ ​વિંગ (EOW)માં ફરિયાદ નોંધાઈ છે ત્યારે તેની પૉન્ઝી સ્કીમમાં રોકાણ કરનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. અનેક લોકોએ એમાં તેમની મૂડી ગુમાવી છે. અંધેરીમાં રહેતાં અને ફ્રીલાન્સ કન્સલ્ટન્સીનું કામ કરતાં પારસી મ​હિલા અને તેમના પરિવારે એમાં એક કરોડ કરતાં વધુ રૂપિયા ગુમાવ્યા છે. તેમનું કહેવું છે કે અમે અમારી લાઇફ-ટાઇમની બચત આ સ્કીમમાં રોકી દીધી હતી અને એ બધી જ જતી રહી, અમે હવે ઝીરો પર આવી ગયા.

અંધેરીમાં રહેતાં પારસી મ​હિલા ડેલ્ફી વા​ડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ફ્રેન્ડના કહેવાથી અમે અંબર દલાલના સંપર્કમાં આવ્યા હતા. કોવિડ પહેલાં ૨૦૧૬ની આ વાત છે. એ વખતે તેણે અમારા રોકાણ પર મહિને બે ટકા વ્યાજનું પ્રૉ​મિસ આપ્યું હતું. વળી તે વ્યવહારનો એકદમ ચોખ્ખો હતો. જે પણ રકમ ઇન્વેસ્ટમેન્ટ માટે આપીએ એની તરત સામે એ રકમનો કોલેટરલ ચેક આપી દેતો અને સાથે જ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પણ બનાવતો. કો​વિડ સુધી મહિને બે ટકા અને એ પછી તેણે વ્યાજની રકમ સહેજ ઘટાડીને ૧.૮ ટકા કરી હતી. જોકે તેના વ્યાજની રકમ નિયમિત અમને મળી જતી. મેં શરૂઆત માત્ર પાંચ લાખથી કરી હતી, પણ એ પછી એમાં વધુ ને વધુ રોકાણ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૪થી એ રકમ મળવામાં થોડું ડિલે થવા માડ્યું જતું. જોકે માર્ચમાં ​ડિલે થયું ત્યારે મેં તેને ફોન કરીને કહ્યું કે મારે મારી હાઉસિંગ લોનનો ઇન્સ્ટૉલમેન્ટ ભરવાનો હોય છે એટલે જો વ્યાજ જમા કરાવી દે તો સારું. એથી તેણે બીજા જ દિવસે મારા અકાઉન્ટમાં એ રકમ જમા કરાવી દીધી હતી. આમ મને માર્ચ સુધીનું વ્યાજ મળી ગયું છે. હું અને મારી બે બહેનો મળીને અમે કુલ એક કરોડ રૂપિયા કરતાં વધુનું રોકાણ તેની સ્કીમમાં કર્યું છે. મારી બહેન ગયા વર્ષે ​રિટાયર થઈ હતી. તેણે તેને મળેલી બધી જ રકમ આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી દીધી હતી. હવે અમારી બધી જ રકમ, ​જિંદગીભરનું સેવિંગ બધું જ એમાં ખોઈ ચૂક્યા છીએ. અમે ઝીરો પર આવી ગયા. મારે હોમલોનના હપ્તા પણ ભરવાના હોય છે અને મારી ૮૫ વર્ષની મમ્મીની કાળજી પણ લેવાની હોય છે તથા ઘર પણ ચલાવવાનું હોય છે. અમે બહુ જ ચિંતામાં છીએ કે હવે કેમનું થશે?’ 
અંબર દલાલ UAEની સિટિઝનશિપ ધરાવે છે. ઓશિવરા પોલીસે જે ​દિવસે તેમની પાસે ફરિયાદ આવી ત્યારે જ અંબર દલાલ દેશ છોડીને નાસી ન જાય એ માટે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવાની અરજી આપી દીધી હતી અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ પણ થઈ ગઈ છે. જોકે એ પહેલાં તે દેશ છોડીને જતો ન રહ્યો હોય એવી આશા રોકાણકારો રાખી રહ્યા છે. EOWના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન કદમે ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘આ ફ્રૉડનો આંકડો વધી રહ્યો છે. વધુ ને વધુ લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે. અંદાજે ૩૫૦ જેટલા લોકો અમારી સામે આવ્યા છે. આ સ્કૅમમાં મોટી રકમ અટવાઈ છે. અમે એની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છીએ અને અંબર દલાલને શોધી રહ્યા છીએ.’

andheri Crime News mumbai crime news mumbai police mumbai mumbai news bakulesh trivedi