ભાઈંદરના ગુજરાતીએ ૨૦ વર્ષ પછી એચએસસીની પરીક્ષા પાસ કરી

27 May, 2023 12:59 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

બીએમસી ફાયર બ્રિગેડના ટેક્નિકલ વિભાગમાં કામ કરતા જિતેશ બામાણી ટ્રેનમાં અને ઑફિસમાં સમય મળે ત્યારે મોબાઇલમાં અભ્યાસ કરતા : એક્ઝામની તૈયારી કરવા સાથે સામાજિક સંસ્થાઓના કામને પણ એટલું જ મહત્ત્વ આપતા

જિતેશ બામાણી

મોટી ઉંમર થાય અને ૨૦ વર્ષનો ભણવામાં ગૅપ આવી જાય એવામાં અનેક સામાજિક સંસ્થાઓમાં કાર્યરત હોઈએ અને એની સાથે બીએમસીના ઇમર્જન્સી વિભાગમાં કામ કરતા હોઈએ ત્યારે એચએસસીની પરીક્ષા આપવાનું કોણ વિચારી શકે? જોકે આવી બધી જવાબદારીઓ વચ્ચે ભાઈંદર-ઈસ્ટમાં નવઘર રોડ પર રહેતા ૩૮ વર્ષના જિતેશ (જિતુભાઈ) બામાણીએ એચએસસીની પરીક્ષા તો આપી, પરંતુ ૫૨.૧૭ ટકા માર્ક્સ સાથે પાસ પણ કરી છે. બારમાની પરીક્ષા આપીને તેમનો હવે આગળ પણ અભ્યાસ કરવાનો પ્લાન ચાલી રહ્યો છે.

જિતુભાઈ પહેલાં ભાયખલા ફાયર બ્રિગેડ કામ કરતા હતા. ત્યાં તેઓ ફાયર બ્રિગેડમાં વિદ્યુત ટેક્નિશ્યન હતા. ત્યાંથી હવે તેઓ બીએમસી ગોરેગામ અંતર્ગત ઇમર્જન્સીમાં આવતા ફાયર બ્રિગેડ, હૉસ્પિટલ, પાણી વિભાગ, રોડ પર લાગતી લાઇટ વગેરેમાં વિદ્યુતને લગતાં તમામ કામ માટે વિદ્યુત ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવે છે. તેમણે સ્કૂલ છોડ્યાનાં ૨૦ વર્ષ બાદ એચએસસીની પરીક્ષા આપી હતી. ૨૦૦૧માં તેમણે દસમાની પરીક્ષા આપી હતી. એમાં બે વિષય રહી ગયા હતા, પરંતુ જવાબદારીઓ આવી જતાં એ ક્લિયર કરી શક્યા નહોતા. એથી ૨૦૧૪માં બાકીના બે વિષયની પરીક્ષા આપી હતી.  

જિતુભાઈ બામાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક્ઝામ આપી ભણીને ભવિષ્યમાં આગળ વધવું છે. ભણવાથી પ્રમોશન મળશે કે સારી પોસ્ટ મળશે એ વાત જુદી છે. જોકે જે ફીલ્ડમાં લોકો સાથે ઊઠવા-બેસવાનું છે ત્યાં ભણતર ઓછું હોવાથી અનેક પ્રૉબ્લેમ થતા હતા. ઓછું ભણતાં મનમાં ગિલ્ટ થતો અને ભણીને એક્ઝામ આપીને કૉન્ફિડન્સ અને પોતાના પર ગર્વ પણ અનુભવી શકાય છે. નોકરી કરવા સાથે પરિવાર અને સમાજ સાથે અમારા સંસ્થાની સામાજિક સેવામાંથી સમય કાઢીને ભણવું થોડું અઘરું હતું. સંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી હતું. જોકે પાસ થવું જ છે એટલી તો તૈયારીઓ કરી જ હતી. કામ પર હોય કે અન્ય ઠેકાણે લોકો સાથે વાત કરવાની હોય ત્યારે ઓછું ભણેલા હોવાથી પોતાને અભણ હોય એવું થતું રહેતું હતું.’
જીતુભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘હું મોબાઇલમાં બુક્સ ડાઉનલોડ કરીને ટ્રેન અને ઑફિસમાં વાંચતો હતો. ક્લાસિસમાં જવા માટે સમય ન હોવાથી એમાં જતો નહોતો. કંઈ ન સમજાય તો બારમાની પરીક્ષા આપી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓને પૂછતો હતો. મારી ઉંમર જોઈને બીજા વિદ્યાર્થીઓ જેમને ભણવામાં રસ નથી તેમને અને મારાં બાળકોને પ્રેરણા મળી છે કે જીવનમાં ભણતર સિવાય કોઈ બીજો ઉદ્ધાર નથી. રિઝલ્ટ આવ્યા બાદ મિત્રો અન શુભચિંતકો દ્વારા ઘણી શુભેચ્છાઓ મળી છે અને ગ્રૅજ્યુએશન માટે તૈયારી કરવા માટે કહે છે.’

mumbai mumbai news 12th exam result byculla brihanmumbai municipal corporation preeti khuman-thakur