24 June, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ પાસેની વર્સોવા ખાડીમાં પાણીની પાઇપલાઇન નાખવા માટેની ટનલનું ખોદકામ કરતી વખતે ૨૯ મેએ જેસીબી ચલાવી રહેલો રાકેશ યાદવ ધસી પડેલી માટી અને ખાડીમાં દબાઈ ગયો હતો. વિવિધ એજન્સીઓના પ્રયાસ બાદ પણ રાકેશને બહાર કાઢી નથી શકાયો. ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાકેશના પરિવારને પચાસ લાખ રૂપિયાની મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ટનલનું કામ કરી રહેલી એલ ઍન્ડ ટી કંપનીના અધિકારી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે રાકેશ યાદવની પત્ની સુશીલા યાદવને ૫૦ લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો એટલું જ નહીં, રાકેશના ભાઈ દુર્ગેશ યાદવને એલ ઍન્ડ ટી કંપનીમાં જૉબનો અપૉઇન્ટમેન્ટ લેટર સોંપ્યો હતો.
સૂર્યા નદીનું પાણી મીરા-ભાઈંદર સુધી પહોંચાડવા માટે ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ પાસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ એલ ઍન્ડ ટી કંપનીને સોંપ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાકેશ યાદવના પરિવારને ૫૦ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્દેશ આપવાની સાથે પરિવારના એક સભ્યને નોકરી આપવાનું કહ્યું હતું. એલ ઍન્ડ ટીએ ૩૫ લાખ રૂપિયા અને ૧૫ લાખ વીમાના મળીને ૫૦ લાખ રૂપિયાનો ચેક મુખ્ય પ્રધાનને સોંપ્યો હતો, જે તેમણે રાકેશ યાદવની પત્નીને ગઈ કાલે આપ્યો હતો.