૨ મહિના, ૪૮ લોકો અને ૨૭,૫૨,૦૦,૦૦૦ રૂપિયા

31 March, 2024 08:02 AM IST  |  Mumbai | Mehul Jethva

શૅરમાર્કેટમાં પૈસા ડબલ કરવાની લાલચમાં નવી મુંબઈમાં રહેતા આટલા લોકોએ છેલ્લા બે મહિનામાં ગુમાવેલી રકમ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈના સાઇબર વિભાગમાં છેલ્લા બે મહિનામાં ૪૮ લોકોએ શૅરમાર્કેટમાં ફ્રૉડમાં ૨૭.૫૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તમામ લોકો સાથે શૅરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આને પગલે નવી મુંબઈના સાઇબર વિભાગ દ્વારા સ્કૂલો, કૉલેજો, પ્રાઇવેટ સોસાયટીઓ, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી આવી છેતરપિંડીથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

શૅરબજારમાં નાણાંનું રોકાણ કરવાથી ઘણો નફો મળતો હોવાનો વીડિયો શૅર કરવા, ઑનલાઇન વર્કશૉપ લઈને નાગરિકોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા, ઘણા રોકાણ-નિષ્ણાતોના ​વિડિયો દ્વારા સફળતાની વાતો શૅર કરવી આવી અલગ-અલગ લોભામણી કાર્યપદ્ધતિથી સાઇબર ફ્રૉડ કરવામાં આવે છે.

નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમિત કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તમામ ઘટનામાં લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી. આવા કેસોમાં પરેશાની એ થતી હોય છે કે લોકો સાથે એક-એક મહિના સુધી સાઇબર ફ્રૉડ થતું હોય છે અને ફરિયાદી ધીરે-ધીરે પોતે જ પૈસા અલગ-અલગ અકાઉન્ટમાં ભરતા હોય છે. તેમને ખબર પડે કે તેમની સાથે સાઇબર છેતરપિંડી થઈ છે ત્યાં સુધીમાં ઘણો સમય નીકળી ગયો હોય છે. એમ છતાં અમારી પાસે આવતી ફરિયાદો પર ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરીને છેતરપિંડીમાં ગયેલા પૈસાને રિકવર કરવાની અમે કોશિશ કરીએ છે. એ માટે પોલીસ સાથે પ્રાઇવેટ વેન્ડરની પણ મદદ લેવામાં આવે છે. વાત રહી આવા ક્રાઇમ અટકાવવાની તો અમે સ્કૂલો, કૉલેજો, પ્રાઇવેટ સોસાયટીઓ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી આવી છેતરપિંડીથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યા છીએ.’

navi mumbai cyber crime mumbai news mumbai