બોરીવલીમાં કચ્છીનું મૃત્યુ શેના લીધે થયું?

28 October, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૨ વર્ષના રાજેશ મારુએ આત્મહત્યા કરી કે પડી જવાને લીધે તેમનું મૃત્યુ થયું એની પોલીસે શરૂ કરી તપાસ

રાજેશ કેશવજી મારુ

બોરીવલી-વેસ્ટની મ્હાડા કૉલોનીમાં શનિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ ૪૨ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન રાજેશ કેશવજી મારુની સોસાયટીના પરિસરમાં ડેડ-બૉડી મળતાં ચકચાર મચી ગઈ હતી. MHB પોલીસે આ બાબતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રાજેશ મારુ બોરીવલીના જાણીતા અનાજ-કરિયાણાંના જનતા સ્ટોર્સમાં વર્ષો નોકરી કરતા હતા. તેમનાં મિસિસ ભાવનાબહેને શારીરિક બીમારીથી કંટાળીને પહેલી જાન્યુઆરીએ ઘરમાં જ ફાંસો લગાડીને આત્મહત્યા કરી હતી. મારુ દંપતીને કોઈ સંતાન નહોતું. રાજેશભાઈ ભાવનાબહેનની બીમારી પછી હતાશ થઈ ગયા હતા અને દારૂની લતે ચડી ગયા હોવાનું પોલીસનું કહેવું છે. 
શુક્રવારના બનાવની માહિતી આપતાં MHB પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી ભરત પૉલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને તેમની સોસાયટીમાંથી સવારે આઠ વાગ્યે રાજેશ મારુની બૉડી સોસાયટીના પરિસરમાં પડી છે એવો ફોન આવ્યો હતો. અમારી પોલીસટીમ તરત જ સોસાયટીમાં પહોંચી ગઈ હતી. રાજેશ મારુ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતો હતો. તે કેવી રીતે નીચે પડી ગયો એ હજી રહસ્યમય છે. તેની બૉડી પર મારનાં કે અન્ય કોઈ નિશાન નહોતાં. તે છઠ્ઠા માળથી પડી ગયો હોય તો તેના શરીરના હાથ-પગ પર કે હાડકાં તૂટી જવાનાં કે ઈજા થવાનાં નિશાન હોવાં જોઈએ કે લોહી નીકળવું જોઈએ, પરંતુ તેની બૉડી પર એવાં કોઈ નિશાન નહોતાં. અમે તરત જ તેના રિલેટિવને ઇન્ફૉર્મ કરીને રાજેશને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંથી તેની બૉડીને બોરીવલીની ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા હતા. જોકે પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં પણ કંઈ શંકાસ્પદ મળ્યું નથી. એના પરથી એવું લાગે છે કે તે કદાચ દારૂના નશામાં દાદરા ચડતાં-ઊતરતાં લપસીને નીચે પડ્યો હશે. આમ છતાં અમે કોઈ નિષ્કર્ષ પર હજી આવ્યા નથી. અમે તપાસ કરી રહ્યા છીએ.’ 

mumbai news mumbai borivali suicide kutchi community gujarati community news gujaratis of mumbai mumbai police