23 June, 2023 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ઓલા અને ઉબર સહિત મહારાષ્ટ્રમાં ચાર ઍપ-બેઝ્ડ ટૅક્સી ઍગ્રીગેટર્સ કેન્દ્રની મોટર વેહિકલ ઍગ્રીગેટર ગાઇડલાઇન્સ ૨૦૨૦ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ તેમને લાઇસન્સ ઇશ્યુ કરવાને લઈને સ્ટેટ ગવર્નમેન્ટ પાસેથી માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે ઍપ-બેઝ્ડ ટૅક્સી ઍગ્રીગેટર્સને મહારાષ્ટ્રમાં તેમનો બિઝનેસ ચલાવવા માટે ૬ માર્ચની સમયમર્યાદામાં લાઇસન્સ માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ત્યાર બાદ ઉબર ઇન્ડિયા સિસ્ટમ લિમિટેડ (ઉબર) અને ANI ટેક્નૉલૉજીઝ લિમિટેડ (ઓલા)એ માર્ચની શરૂઆતમાં દક્ષિણ મુંબઈમાં તાડદેવ આરટીઓ ખાતે કૅબ ઍગ્રીગેટર લાઇસન્સ માટે અરજી કરી હતી. મહિનાના અંતે એમએમઆરટીએએ તેમને એ શરતે કામચલાઉ લાઇસન્સ આપ્યું હતું કે તેમણે મોટર વેહિકલ ઍગ્રીગેટર માર્ગદર્શિકા ૨૦૨૦નું પાલન કરવું પડશે.
એક આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઍગ્રીગેટર લાઇસન્સ માટેની અરજીઓ મળતાં આ કંપનીઓ મોટર વેહિકલ ઍગ્રીગેટર ગાઇડલાઇન્સ ૨૦૨૦ની જોગવાઈઓનું પાલન કરી રહી છે કે કેમ એ તપાસવા માટે ટીમ નિયુક્ત કરવામાં આવી હતી. જોકે ચાર અરજદારોમાંથી કોઈ પણ એને પરિપૂર્ણ કરતું જણાયું નહોતું.’