19 February, 2024 07:54 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુમ્બ્રા ટ્રાફિક પોલીસ ટીમના ૩૯ ટ્રાફિક કૉન્સ્ટેબલ અને એક પોલીસ ઇન્સ્પેક્ટરની ૧૭ ફેબ્રુઆરીએ સાંજે થાણેના કન્ટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ સાંજે શિલફાટા વિસ્તારમાં હેવી વાહનો પાસેથી ગેરકાયદે અને બળપૂર્વક લાંચ લેતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સજા તરીકે તેમની બદલી કરવામાં આવી હતી.
થાણેમાં રહેતા એક સોશ્યલ ઍક્ટિવિસ્ટે ૧૬ ફેબ્રુઆરીએ સાંજે એક વિડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, જેમાં શિલફાટા વિસ્તારમાં હાજર ટ્રાફિક કૉન્સ્ટેબલ ગેરકાયદે અને બળપૂર્વક લાંચ લેતો દેખાઈ આવ્યો હતો. આ વિડિયો વાયુવેગે પ્રસરતાં એની નોંધ સિનિયર અધિકારીઓએ લીધી હતી. થાણે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિનય રાઠોડે આ મામલાની પૂછપરછ કરી હતી, જેમાં અધિકારીઓની ભૂલ સામે આવ્યા બાદ ૩૯ પોલીસ કર્મચારીઓ અને મુમ્બ્રા ટ્રાફિક પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ ખેડેકરની બદલીની સૂચના જારી કરવામાં આવી હતી.
થાણે ટ્રાફિક વિભાગના એક સિનિયર પોલીસ અધિકારીએ તમામ અધિકારીઓની બદલી થઈ હોવાની પુષ્ટિ કરી છે. શિલફાટા વિસ્તાર નજીક હેવી વાહનો પાસેથી ગેરકાયદે ચુકવણી અંગે પૂછપરછ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.