01 April, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈગરાઓને ખાડા વગરના સ્મૂથ રસ્તા આપવા એ સુધરાઈની જવાબદારી છે અને એ માટે કોર્ટ દ્વારા અનેક વખત સુધરાઈને ચીમકી અપાઈ છે. એમ છતાં દર વર્ષે ચોમાસામાં રસ્તા પર ખાડા પડે જ છે અને એ પછી એ ખાડા પૂરવા કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ ફાળવવામાં આવે છે. જોકે કોર્ટે આપેલી ચીમકીને કારણે સુધરાઈએ હવે મુંબઈના કુલ ૮૦૦ કિલોમીટરના રસ્તા કૉન્ક્રીટના બનાવવાનું નક્કી કર્યું છે અને એમાંથી પહેલા તબક્કાના ૪૦૦ કિલોમીટર રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. જોકે બીજા તબક્કાના ૪૦૦ કિલોમીટરના રસ્તામાંથી ૨૦૦ કિલોમીટર કરતાં વધુના રસ્તાના કૉન્ક્રીટાઇઝેશન માટે ૩૬૦૦ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. પહેલા તબક્કાના રખડેલા કામ માટેનાં ટેન્ડર ભરવાની તારીખ લંબાવાઈને પાંચમી એપ્રિલ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કૉન્ટ્રૅક્ટરે ટેન્ડર ભર્યું નથી. આમ મુંબઈગરાએ કૉન્ક્રીટના રસ્તા મળવા માટે હજી વધુ રાહ જોવી પડે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આ વર્ષે પણ વરસાદમાં ખાડામાં જ મુસાફરી કરવાની માનસિક તૈયારી લોકોએ રાખવી પડશે.
મૂળમાં પહેલા તબક્કાનાં જે ટેન્ડર બહાર પાડ્યાં હતાં એનું કામ મેસર્સ રોડવે સૉલ્યુશન ઇન્ફ્રાને આપવામાં આવ્યું હતું, પણ એણે કામ લેટ ચાલુ કર્યું હોવાથી સુધરાઈએ એને ૬૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એથી એ સામે એણે કોર્ટમાં કેસ કર્યો છે. પહેલા તબક્કાના રખડી ગયેલા કામ માટે સુધરાઈએ ફરી ફેબ્રુઆરીમાં ૧૩૬૨ કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં. એ માટે બે જ કંપનીએ રસ બતાવ્યો હતો. એમાં પણ એક કંપની તો મેસર્સ રોડવે સૉલ્યુશન ઇન્ફ્રા જ હતી. એટલે કૉમ્પિટિટિવ ટેન્ડર ન મળ્યાં હોવાથી એ રદ કરવામાં આવ્યાં હતાં અને નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. હવે એ ભરવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ ટેન્ડર માટે કૉન્ટ્રૅક્ટરોને જો કોઈ ચોખવટ કે સ્પષ્ટતા જોઈતી હોય તો એ માટે સુધરાઈ દ્વારા હાલમાં જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ એ બેઠકમાંય એક પણ કૉન્ટ્રૅક્ટર હાજર રહ્યો નહોતો. સામા પક્ષે ૪૦૦ કિલોમીટરના બીજા તબક્કાના કામ માટે સુધરાઈને સિટી અને ઈસ્ટર્ન સબર્બ્સ માટે એક-એક અને વેસ્ટર્ન સબર્બ્સ માટે ૩ કૉન્ટ્રૅક્ટરોએ રસ બતાવ્યો છે. જોકે એ ટેન્ડર પાસ કરીને કામનો વર્ક-ઑર્ડર કાઢવો અને એ કામ વરસાદ પહેલાં આટોપી લેવું મુશ્કેલ છે એટલે આ વખતે પણ મુંબઈગરાએ ખાડાવાળા રસ્તા પર જ ટ્રાવેલ કરવું પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.