16 January, 2022 10:22 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એમાં પહેલાં વેપારીનો વિશ્વાસ જીતી તેની પાસેથી મોટી અમાઉન્ટનો માલ લઈને ગઠિયાઓ છેતરપિંડી કરતા હોય છે. આવી જ રીતે મસાલા માર્કેટના એક વેપારી પાસેથી ૩૫ લાખ રૂપિયાનાં જરદાલુ અને ખજૂર ગુજરાતમાં વધુ ભાવે વેચવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હોવાની ઘટના એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
એપીએમસીની મસાલા માર્કેટમાં ઝારા ઇન્ટરનૅશનલના માલિક ફરિયાદી મોહમ્મદ ઠાકુર હોલસેલમાં ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરે છે. તેમની મુલાકાત દલાલ હાર્દિક શાહ સાથે થઈ હતી. હાર્દિકે તેની પાસે ગુજરાતમાં મોટો ગ્રાહક હોવાની માહિતી ફરિયાદીને આપી હતી. એ પછી ખજૂર અને જરદાલુ મોટા પ્રમાણમાં ગુજરાતમાં વેચાશે એવી માહિતી આપીને એકસાથે ૩૫ લાખ રૂપિયાનો ઑર્ડર આપ્યો હતો. હાર્દિકે માલની ડિલિવરી લેવા માટે તેના સાથી શાંતારામ દેવકરને મોકલ્યો હતો. માલની ડિલિવરી લેતી વખતે શાંતારામે કહ્યું હતું કે બિલ કયા નામથી બનાવવાનું છે એ તમને હાર્દિક કહેશે. એ પછી માલ લઈને શાંતારામ ત્યાંથી નીકળી ગયો હતો. બે દિવસ પછી હાર્દિકને બિલ માટે ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બે-ત્રણ દિવસ વીતી જવા છતાં હાર્દિકનો કોઈ સંપર્ક ન થતાં ફરિયાદીએ એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મોનિક નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ બધો માલ ગુજરાત ન મોકલતાં આસપાસના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. એ બધો માલ અમે જપ્ત કર્યો છે અને ૯૫ ટકા માલની રિકવરી કરી છે. અમે મુખ્ય આરોપી હાર્દિકની શોધ કરી રહ્યા છીએ. તેના પર અગાઉ કોઈ ગુના છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’