26 February, 2024 07:17 AM IST | Mumbai | Prasun Choudhari
રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ૨૦૨૩ના વર્ષમાં ૩૪,૧૧૪ માર્ગ-અકસ્માત થયા હતા અને ૧૫,૯૦૯ લોકો મૃત્યુ પામ્યા હતા તથા ૨૦,૮૬૦ લોકો ઈજા પામ્યા હતા એમ રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આંકડાઓએ દર્શાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ૨૦૨૨ના વર્ષની સરખામણીમાં ૨૦૨૩ના વર્ષમાં માર્ગ-અકસ્માતમાં ૨.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે મુંબઈમાં માર્ગ-અકસ્માતમાં ૨૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. માર્ગ-અકસ્માતની મસમોટી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને મુંબઈ મોબિલિટી ફોરમ અને મુંબઈ વિકાસ સમિતિના ટ્રાન્સપોર્ટ નિષ્ણાત એ. વી. શેણોયે જણાવ્યું હતું કે ‘દેશમાં માર્ગ-અકસ્માતમાં સૌથી વધુ સંખ્યાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. અકસ્માતમાં ભોગ બનેલાઓ ૨૫થી ૪૫ વર્ષના હતા.’
રાજ્ય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આંકડાઓ અનુસાર ૨૦૨૨ના વર્ષમાં મહારાષ્ટ્રમાં ૩૩,૩૮૩ માર્ગ-અકસ્માત થયા હતા. મુંબઈથી પુણે અને નાગપુરને જોડતા મેજર હાઇવે પર અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું એમ રાજ્ય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું.
સમૃદ્ધિ હાઇવે અને મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૨૦૨૩ના વર્ષમાં અકસ્માતની સંખ્યા સૌથી વધુ હતી. માત્ર નાગપુર સ્ટ્રેચમાં ૬૫૬ અકસ્માત થયા હતા, જેમાંથી ૮૦ જીવલેણ હતા. આ અકસ્માત ૨૦૨૨ના ડિસેમ્બરથી ૨૦૨૩ના ઑક્ટોબર દરમિયાન થયા હતા.
રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર પરિસ્થિતિમાં સુધારાના પ્રયાસો આશાજનક જણાય છે. આ એક્સપ્રેસવે પર ૨૦૨૩ના વર્ષમાં ૧૫૩ અકસ્માત નોંધાયા હતા, જે ૨૦૨૨ના વર્ષમાં નોંધાયેલા ૧૯૮ અકસ્માત કરતાં ઓછા હતા. આમ છતાં અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ચિંતાજનક છે. એક્સપ્રેસવે પર ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ના વર્ષમાં માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અનુક્રમે ૮૮, ૯૨ અને ૬૩ હતી.’