રામોત્સવની પૂર્વસંધ્યાએ મીરા રોડમાં ૩૦૦ના ટોળાનું તોફાન

23 January, 2024 07:31 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ભગવાન શ્રીરામના ઝંડા લગાડેલાં વાહનો પર મીરા રોડમાં ૩૦૦ લોકોએ હુમલો કર્યો: રથયાત્રામાંથી પાછા ફરતી વખતે સમાજવિરોધી પ્રવૃત્તિ માટે બદનામ નયાનગરમાં મહિલા અને પુરુષને ચાકુ મારવાની સાથે ચાર કાર અને અનેક ટૂ-વ્હીલર તોડી નાખ્યાં

મીરા રોડમાં ૩૦૦ના ટોળાએ કરેલા હુમલામાં ઈજા પામેલી બે વ્યક્તિ.

ગઈ કાલે અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી એની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગરમાં બે કોમ વચ્ચે તોફાન થયાં હતાં. રવિવારે રાતે નયાનગરમાંથી શ્રીરામના ઝંડા લગાડેલાં વાહનો નીકળ્યાં ત્યારે તેમના પર લઘુમતી સમાજના ૩૦૦ જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો. તેમણે વાહનોમાં બેસેલી મહિલા અને પુરુષો પર ચાકુના ઘા મારવાની સાથે ચાર કાર અને અનેક ટૂ-વ્હીલરની તોડફોડ કરી હતી. પોલીસ સમયસર ન પહોંચી હોત તો ૧૦થી ૧૫ લોકોના જીવ જોખમમાં મુકાઈ જાત એવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ મામલામાં પોલીસે ગઈ કાલે સાંજ સુધી ૧૩ આરોપીની ધરપકડ કરી હતી અને બીજા અનેક લોકોને તાબામાં લઈને ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા તેમના નજીકના ૫૦૦ જેટલા લોકો પોલીસ-સ્ટેશન પહોંચતાં સલામતી ખાતર આસપાસના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તેમનો જયજયકાર બોલાવનારાઓ પર મુસ્લિમોએ હુમલો કર્યો છે.

પોલીસે જણાવ્યા મુજબ રવિવારે રાતે ૧૦.૩૦ વાગ્યે કેટલાક લોકો કાર અને ટૂ-વ્હીલરમાં શ્રીરામના ઝંડા લગાડીને મીરા રોડમાં આવેલા નયાનગરમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ‘જય શ્રીરામ’નો સૂત્રોચ્ચાર કરતા હતા એનો કેટલાક યુવાનોએ વિરોધ કરીને વાહનો ઊભાં રખાવ્યાં હતાં. થોડી વાર પછી બીજા અનેક લોકોએ આ વાહનોને ઘેરી લીધાં હતાં અને વાહનોની તોડફોડ કરી હતી. કારમાં બેસેલી એક મહિલા અને એક પુરુષ પર ચાકુના ઘા મારવામાં આવ્યા હતા તો બીજા લોકોએ ટૂ-વ્હીલર અને કાર પર લાકડી, પથ્થર અને બામ્બુ વડે ફટકા મારીને તોડફોડ કરી હતી. કોઈકે આ ઘટનાની જાણ કરતાં નયાનગરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હુમલો કરનારાઓને વિખેરી નાખ્યા હતા અને જેમને ઈજા પહોંચી હતી તેમને ભાઈંદરની ટેમ્બા હૉસ્પિટલ લઈ જવાયા હતા.

મુસ્લિમોની બહોળી વસ્તી ધરાવતા નયાનગરમાં હિન્દુઓ પર હુમલો કરવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં મીરા-ભાઈંદરમાં દહેશતનું વાતાવરણ નિર્માણ થયું હતું. જોકે મોડી રાતે પોલીસે ફ્લૅગ માર્ચ કરીને મામલો થાળે પાડ્યો હતો.

શું થયું હતું?

ભાઈંદર-વેસ્ટમાં આવેલા ભોલાનગરમાં રહેતા વિનોદ જયસ્વાલે નયાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો છે, જેમાં તેણે નોંધ્યું છે કે ‘હું મારી પત્ની અને બાળકો સાથે રાતે અમારા વિસ્તારથી મીરા રોડ તરફ જવા નીકળ્યો ત્યારે મીરા-ભાઈંદર રોડ પર ભારે ટ્રાફિક હતો એટલે મેં કાર નયાનગર તરફ વાળી લીધી હતી. એ સમયે મારી સાથે નજીકમાં રહેતા મિત્રો ટૂ-વ્હીલર પર હતા. અમારાં વાહનો પર એ સમયે જય શ્રીરામના ઝંડા હતા. અમે આગળ જઈ રહ્યા હતા ત્યારે એક યુવક મારી કાર સામે આવીને ઊભો રહી ગયો હતો અને તેણે કારના આગળના ભાગમાં રાખેલો ઝંડો ખેંચી લીધો હતો અને કહ્યું કે ‘પાંચ મિનિટ ઊભા રહો, જોઉં છું હવે તમને તમારા રામ બચાવવા આવે છે કે નહીં?’ થોડી જ વારમાં ૫૦થી ૬૦ લોકોનું ટોળું અમારાં વાહનો પર તૂટી પડ્યું હતું. પથ્થર મારીને કારના કાચ તોડી નાખીને એક યુવકે મારા ચહેરા પર ચાકુથી હુમલો કર્યો હતો, જેથી મારા જમણા ગાલ પર ઈજા થઈ હતી. એ સમયે મારી સાથે મારી પત્ની અને બાળકો પણ હતાં. ટોળું અમને મારી જ નાખશે એવું લાગતું હતું. જોકે થોડી વારમાં પોલીસ આવી પહોંચતાં અમે બાલબાલ બચ્યાં હતાં.’

પોલીસે કાર્યવાહી શરૂ કરી
મીરા રોડ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત બજબલેએ આ ઘટના વિશે પત્રકારોને માહિતી આપી હતી કે ‘રાતના સમયે નયાનગરમાં ટોળાએ કેટલાંક વાહનોની તોડફોડ કરવાની સાથે લોકો પર હુમલો કરવાના મામલામાં અમે ૧૩ આરોપીની ધરપકડ કરી છે તેમ જ અન્ય કેટલાક લોકોને તાબામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાતના સમયે માહોલ ખરાબ ન થાય એ માટે અમે નયાનગરમાં ફ્લૅગ માર્ચ કરી હતી. જોકે બાદમાં કોઈ અનિચ્છનીય ઘટના નહોતી બની. હિન્દુઓ તેમનાં વાહનોમાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે લઘુમતી કોમના કેટલાક લોકોએ આવા સૂત્રોચ્ચાર સામે વાંધો લીધા બાદ કેટલાક લોકો વાહનો પર તૂટી પડ્યા હોવાનું સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયો પરથી જણાઈ આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિત રમખાણ ફેલાવવાની કલમ લગાવીને કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ત્રણ એફઆઇઆર નોંધવામાં આવ્યા છે.’

પાંચસો લોકોનું ટોળું
નયાનગર પોલીસે ઘટનાના વિડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની શરૂઆત ગઈ કાલે સવારે કરી હતી. પોલીસ કમિશનર મધુકર પાંડેએ જેટલા આરોપીની ઓળખાણ થાય તેમને પકડવાનો નિર્દેશ આપતાં પહેલાં ૧૩ આરોપી અને ત્યાર બાદ અનેક શંકાસ્પદોને તાબામાં લેવામાં આવ્યા હતા. તેમને નયાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. એ પછી તેમના નજીકના લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા. બપોર બાદ ચારેક વાગ્યે ૫૦૦ જેટલા લોકો પોલીસ-સ્ટેશન પહોંચી જતાં પોલીસે અહીંના આસપાસના રસ્તા બંધ કરી દીધા હતા.

સાંજે ફરી સામસામે આવ્યા

એક તરફ પોલીસ હિન્દુઓ પર હુમલો કરનારા મુસ્લિમોને પકડીને કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી બાજુ ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે નયાનગરમાં રેલવેલાઇનને અડીને આવેલા રસ્તા પર ફરી હિન્દુ-મુસ્લિમ સામસામે આવી ગયા હતા. બન્ને તરફથી જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ સમયે થયેલા પથ્થરમારામાં એક યુવકના માથામાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસે તેમને વિખેરી નાખતાં મામલો થાળે પડ્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસ આખી રાત સંપર્કમાં રહ્યા
મીરા રોડમાં હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હોવાની જાણ થતાં નાયબ મુખ્ય પ્રધાન સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના કમિશનર મધુકર પાંડે સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. તેમણે આ વિશે ગઈ કાલે ૪.૧૭ વાગ્યે એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં નયાનગરમાં કાલે રાતે બનેલી ઘટનાની માહિતી મેં રાતે જ લીધી હતી. સોમવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યા સુધી હું કમિશનરના સતત સંપર્કમાં હતો. આરોપીઓ પર કઠોર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં અત્યાર સુધી ૧૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસીને બાકીના આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં નહીં આવે.’

નયાનગર ગુનેગારો માટે બદનામ

૧૯૯૩ના મુંબઈ પરના સિરિયલ બ્લાસ્ટ હોય કે બીજી કોઈ આતંકવાદી ઘટના ભૂતકાળમાં બની હતી ત્યારે પોલીસ-તપાસમાં આરોપીઓના તાર નયાનગર સાથે જોડાયેલા હોવાનું જણાયું છે. આથી નયાનગર બદનામ છે. અહીં ગુનેગારોને સરળતાથી શરણું મળી જતું હોવાનું કહેવાય છે. જોકે જે લોકો ગુનેગાર કે આતંકવાદીઓને સંરક્ષણ આપે છે તેઓ કોણ છે એ વિશે પોલીસે ક્યારેય ખુલાસો નથી કર્યો.

mumbai news mumbai mira road ram mandir mumbai crime news