27 May, 2023 10:43 AM IST | Mumbai | Mehul Jethva
મુંબઈ ઍરપોર્ટ પર અટવાયેલા મુસાફરો, ગઈ કાલે રાત્રે નવ વાગ્યે ફ્લાઇટ રવાના થઈ હતી
વિયેટનામના હો ચી મિન્હ સિટી જતી વિયેટજેટ ફ્લાઇટના આશરે ૩૦૦ જેટલા મુસાફરો ઍરક્રાફ્ટમાં ખામીને કારણે મુંબઈ ઍરપોર્ટ પર ૨૦થી વધુ કલાક સુધી ગઈ કાલે ફસાઈ ગયા હતા. ૨૧થી વધુ કલાકના લાંબા વિલંબ છતાં ઍરલાઇન્સે મુસાફરો માટે હોટેલમાં રહેવાની અથવા ભોજનની વ્યવસ્થા કરી નહોતી. ગુરુવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યાથી શુક્રવારે સવારના ૬ વાગ્યા સુધી મુસાફરોને ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઇટનું એસી બંધ હોવાથી કેટલાક મુસાફરોએ સફોકેશનનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન પ્રવાસીઓને ઇમિગ્રેશન વિસ્તારમાં પાછા લાવ્યા ત્યાં સુધી તેમને પાણી પણ આપવામાં આવ્યું ન હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો.
મુંબઈથી વિયેટનામના હો ચી મિન્હ સિટી જતી વિયેટજેટ ફ્લાઇટ વીજે-૮૮૪ માટે રાત્રે સાડાઅગિયાર વાગ્યે બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ આશરે ૩૦૦ મુસાફરોને લઈ જતી ફ્લાઇટે મોડી રાત સુધી ઉડાન ભરી નહોતી. પ્રારંભિક ઘોષણાઓ પછી ટેક-ઑફ દરમિયાન ટેક્નિકલ સમસ્યા વધુ અપડેટ થશે એમ પાઇલટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે ફ્લાઇટે કલાકો સુધી ઉડાન ન ભરી ત્યારે પૂછવામાં આવતાં મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે ઍરક્રાફ્ટમાં થોડી ખામી છે અને એને પ્રસ્થાન થવામાં થોડો સમય લાગશે. ત્યાર બાદ સવારના ૬ વાગ્યા દરમિયાન બધા મુસાફરોને ઇમિગ્રેશન વિસ્તારમાં પાછા લાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી ફસાયેલા મુસાફરોને ખોરાક કે પાણી આપવામાં આવ્યું ન હોવાનો તેમણે દાવો કર્યો હતો. ડીજીસીએના નિયમો પ્રમાણે જો ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબિત થાય તો સંબંધિત ઍરલાઇન દ્વારા મુસાફરોને રહેવાની સાથે-સાથે ભોજન પૂરું પાડવામાં આવે છે. અંતે ફ્લાઇટ ગઈ કાલે રાત્રે નવ વાગ્યે રવાના થઈ હતી.
વાપીમાં રહેતા સુકેતુકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારા પરિવારના આઠ લોકો સાથે વિયેટનામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. અમે બધા ગુરુવારે સાંજે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. રાતે અગિયાર વાગ્યે બોર્ડિંગ સ્ટાર્ટ થયું હતું. અમે બધા સાડાઅગિયાર વાગ્યે ફ્લાઇટમાં અમારી સીટ પર બેસી ગયા હતા. જોકે કલાકો પછી પણ ફ્લાઇટ ઊપડી નહોતી. પ્રારંભિક ઘોષણાઓ પછી ફ્લાઇટના ઇન્ચાર્જ તેમ જ બીજા અધિકારીઓ ગાયબ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું. સૌથી ખરાબ એ હતું કે એસી પણ ચાલુ રાખવામાં આવ્યું નહોતું. અમને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. સવારે આશરે છ વાગ્યે અમને ફ્લાઇટની બહાર ઇમિગ્રેશનમાં પાછા લાવવામાં આવ્યા હતા. ત્યાં સવારે સાડાઅગિયાર વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ રાતે સાડાઆઠ વાગ્યાની ફ્લાઇટ નક્કી થઈ હોવાની ઘોષણા કરવામાં આવી હતી. હું વાપીનો હોવાથી મારા કોઈ સંબંધી અહીં આસપાસમાં રહેતા ન હોવાથી મારે ઍરપોર્ટની બહાર બે રૂમ મારા પરિવારના સભ્યોને રહેવા માટે ભાડે લેવી પડી હતી. એ માટે મને ૧૮,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પ્રકારની બેદરકારી બીજી કોઈ ઍરલાઇન્સમાં જોવા મળી નથી.’
વિર્લેપાર્લેમાં રહેતા હિરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરૂવારે રાત્રે હું મારા પરિવારના સભ્યો સાથે ફ્લાઇટ પકડવા એરપોર્ટ પર પહોંચ્યો હતો. રાત્રે અગિયાર વાગ્યે પ્લેનમાં બેઠાના કલાકો બાદ અમને કહેવામાં આવ્યું કે પ્લેનમાં ટેકનિકલ ખામી છે. આશરે છ કલાક સુધી પ્લેનની અંદર બેસાડી રાખ્યા બાદ અમને ઇમિગ્રેશન સુધી લઈ જવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન અમને પાણી પણ આપવામાં નહોતું આવ્યું. ગઈ કાલે આખો દિવસ અમને રહેવા કે ખાવાની પણ વ્યવસ્થા નહોતી કરી આપવામાં આવી. મારા સહિત અનેક પરિવારો તેમના બાળકો સાથે હેરાનપરેશાન થઈ ગયા હતા. આ મારો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ રહ્યો છે.’
આ બાબતે ઘણી કોશિશ કરવા છતાં વિયેટજેટ એરલાઇન્સનો સંપર્ક નહોતો થઈ શક્યો.