૩૦૦ રામભક્ત ૪૭ દિવસ પદયાત્રા કરીને અયોધ્યા જશે

09 December, 2023 08:20 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

આવતી કાલે મીરા રોડથી રામભક્તો અયોધ્યા જવા રવાના થશે ત્યારે હાઇવે પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહેશે

અયોધ્યામાં રામમંદિરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

રામજન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ કરવામાં આવી રહેલા ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ નિર્ધારિત છે ત્યારે દેશભરમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાડાપાંચસો વર્ષ બાદ અયોધ્યામાં રામની જન્મભૂમિ પર મંદિર ખૂલી રહ્યું છે એમાં સામેલ થવા માટે આવતી કાલથી મીરા રોડના ૩૦૦ રામભક્તો પગપાળા અયોધ્યા જવા રવાના થઈ રહ્યા છે. શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના સહયોગથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના શુભારંભમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હાઇવે પર હાજર રહેશે.

આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એમાં સામેલ થવા માટે દેશભરમાંથી લાખો રામભક્તો અયોધ્યા પહોંચવાના છે. જોકે કેટલાક રામભક્તો એવા પણ છે જેઓ દૂર-દૂરથી પગપાળા અયોધ્યા જશે અને ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવશે. મીરા-ભાઈંદરમાં પણ આવા ૩૦૦ રામભક્તો આવતી કાલે હાઇવે પાસેના મંદિરથી પદયાત્રા શરૂ કરશે અને ૪૭ દિવસ પગપાળા પ્રવાસ કરીને તેઓ ૨૭ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. એ સમયે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ હશે એટલે આ રામભક્તો ભગવાન રામનાં દર્શન કરીને મુંબઈ પાછા ફરશે.

સાડાપાંચસો વર્ષ બાદ રામજન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર તૈયાર થઈને એનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ સુવર્ણ તકે મીરા-ભાઈંદરના ૩૦૦ રામભક્તોએ મુંબઈથી અયોધ્યા સુધીની પદયાત્રા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે સાંભળીને શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે આ પદયાત્રા માટેના તમામ ખર્ચની જવાબદારી લીધી છે એટલે રામભક્તો આવતી કાલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વેસ્ટર્ન હોટેલ પાસેના સગનાઈદેવી મંદિરથી બપોરે ૧૨ વાગ્યે અયોધ્યાની પદયાત્રા શરૂ કરશે. 

શુભારંભમાં ૫૦૦૦ રામભક્ત

મીરા રોડથી અયોધ્યાની પદયાત્રા રવિવારે શરૂ થશે ત્યારે ૫૦૦૦ જેટલા રામભક્ત એકત્રિત થવાની શક્યતા છે. આ વિશે વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડથી પદયાત્રા શરૂ થયા બાદ પહેલો પડાવ થાણેમાં થશે. શુભારંભ સમયે પાંચેક હજાર રામભક્તો મીરા રોડથી થાણે સુધી જશે. ત્યાર બાદ બીજા દિવસે સવારે ૩૦૦ રામભક્તો અયોધ્યા તરફ આગળ વધશે. પદયાત્રાની માહિતી મળ્યા બાદ હજી પણ લોકો સંપર્ક કરી રહ્યા છે એટલે એમાં વધુ રામભક્તો જોડાવાની શક્યતા છે. આમાં માત્ર શિવસૈનિક જ નહીં, સનાતન ધર્મમાં માનનારા તમામ લોકો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પદયાત્રાની શરૂઆત કરાવશે. પદયાત્રા રાજ્યના નાશિક સહિતના અનેક જિલ્લામાંથી પસાર થવાની છે એટલે દરેક તાલુકા અને જિલ્લાના મુખ્ય સ્થળે શિવસૈનિકો રામભક્તોનું સ્વાગત કરશે. રામભક્તો ૪૭ દિવસ ચાલીને અયોધ્યા પહોંચશે.’

પદયાત્રીઓ સાથે ચારથી પાંચ ટ્રક જશે, જેમાં તેમનો સામાન અને ખાવા-પીવાની વસ્તુઓ તથા દવા હશે. અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યા બાદ આ રામભક્તો આ જ ટ્રકમાં પાછા ફરશે. ઠંડીનો સમય છે અને મુંબઈથી અયોધ્યાનું અંતર ૧૫૭૫ કિલોમીટર જેટલું દૂર છે એટલે પદયાત્રામાં માત્ર પુરુષ ભક્તો જ હશે. ૪૭ દિવસ પદયાત્રા ચાલશે એટલે દરરોજ ભક્તો ૩૩ કિલોમીટર ચાલશે.

મંદિરનિર્માણ માટેની પહેલી ઈંટ

રામમંદિરનું નિર્માણ થવાનાં દૂર-દૂર સુધી કોઈ એંધાણ નહોતાં દેખાતાં ત્યારે શિવસેનાના થાણેના તત્કાલીન જિલ્લા અધ્યક્ષ દિવંગત આનંદ દિઘેએ ૧૯૮૭માં સવા કિલો ચાંદીની ‘રામ’નું નામ લખેલી પહેલી ઈંટ અયોધ્યા મોકલી હતી. યોગાનુયોગ પદયાત્રા પણ થાણે જિલ્લાના મીરા-ભાઈંદરથી જ શરૂ થઈ રહી છે એટલે ધર્મવીર આનંદ દિઘેની યાદ તાજી થઈ ગઈ છે. ૧૯૮૭માં નવરાત્રિમાં થાણેના ટેમ્બી નાકાથી ચાંદીની ઈંટ અયોધ્યા રવાના કરવામાં આવી હતી. આનંદ દિઘેએ હિન્દુઓને અયોધ્યામાં ચાંદીની ઈંટ મોકલવાની વાત કરી હતી ત્યારે લોકોએ તેમના ઘરમાં ચાંદી હતી એ દાન આપી હતી. બાળાસાહેબ ઠાકરેના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ હતા. બાળાસાહેબ અને આનંદ દિઘે અત્યારે આપણી વચ્ચે નથી, પણ તેમના હિન્દુત્વના વિચારને આગળ વધારી રહેલા એકનાથ શિંદેના હાથે જ પદયાત્રાની શરૂઆત થઈ રહી છે.

ram mandir ayodhya mira road shiv sena eknath shinde maharashtra news mumbai mumbai news