સવારે ૧૪ અને બપોર પછી ૧૬

20 July, 2024 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના ૩૦ નેતાઓ દરરોજ સવારના ૯ વાગ્યે ને સાંજે ૪ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ કરીને વિરોધીઓને જવાબ આપવાની સાથે જનતાને મહત્ત્વની માહિતી આપશે

ચંદ્રશેખર બાવનકુળે

લોકસભાની ચૂંટણીમાં ફેક નૅરેટિવ અને નરેન્દ્ર મોદી ૪૦૦ બેઠક મેળવશે તો બંધારણ બદલી નાખશે એવી અફવા વિરોધીઓએ ફેલાવી હતી જેને લીધે મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં સત્તાધારી પક્ષોને મોટું નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ત્રણેક મહિનામાં થવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) કોઈ ચાન્સ લેવા નથી માગતી એટલે વિરોધીઓને જવાબ આપવાની સાથે લોકોને રોજેરોજ માહિતી આપવા માટે ૩૦ નેતાની ટીમ બનાવી છે જેમાં ૨૦ ફાયરબ્રૅન્ડ નેતાનો સમાવેશ થાય છે. આ નેતાઓમાંથી ૧૪ નેતા સવારના ૯ વાગ્યે અને ૧૬ નેતા સાંજે ૪ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ કરશે.

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે એક યાદી જાહેર કરી હતી જેમાં મહારાષ્ટ્રના ૨૦ ફાયરબ્રૅન્ડની સાથે કુલ ૩૦ નેતા દરરોજ સવારના ૯ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ કરશે. મુંબઈ, થાણે, પુણે અને નાગપુર સહિતનાં મોટાં શહેરોમાં સવારના પંકજા મુંડે, રાવસાહેબ દાનવે, પ્રવીણ દરેકર અને આશિષ શેલાર તો ચાર વાગ્યે ગિરીશ મહાજન, સુધીર મુનગંટીવાર, અશોક ચવાણ, રામ કદમ, અતુલ ભાતખળકર અને માધવ ભંડારી મીડિયાને માહિતી આપશે. આ યાદીમાં વિશેષ સરકારી વકીલ ઍડ્વોકેટ ઉજ્જવલ ​નિકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ રીતે રાજ્યના જુદા-જુદા વિભાગમાં દિવસમાં બે વખત ૩૦ નેતા મીડિયાને સંબોધશે.

 વિરાેધીઓને જવાબ આપવા માટે અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાની મા​હિતી જનતાને આપવા માટે ૩૦ નેતાની ટીમ બનાવવામાં આવવી છે. તેઓ દરરોજ
પ્રેસ-કૉન્ફરન્સ કરશે. આ દ્વારા રાજ્યની દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. - ચંદ્રશેખર બાવનકુળે

mumbai news mumbai Lok Sabha Election 2024 maharashtra news political news bharatiya janata party