08 March, 2023 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડમાં રહેતી ત્રણ ટીનેજર ફ્રેન્ડ્સે તેમનાં માબાપ અને પોલીસને ચોવીસ કલાક સુધી કામે લગાડ્યાં હોવાની ઘટના ગઈ કાલે બની હતી. ઘર નજીકના ગાર્ડનમાં ફરવા જવા માટે નીકળેલી આ ત્રણેય ટીનેજરને પાછા ફરવામાં મોડું થવાથી તેઓ ઘરે જવાને બદલે રત્નાગિરિ જતી ટ્રેનમાં ચડી ગઈ હતી. તેમનાં માતા-પિતાએ મિસિંગની સાથે અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્રણેયને હેમખેમ ઘરે પહોંચાડી હતી.
કાશીમીરા પોલીસે જણાવ્યું હતું કે ‘ત્રણ ટીનેજરની મિસિંગની અને અપહરણ થવાની ફરિયાદ સોમવારે નોંધાવવામાં આવી હતી. તેમના મોબાઇલ ટ્રેસ કરતાં તેઓ રત્નાગિરિ જઈ રહેલી માંડવી એક્સપ્રેસ ટ્રેનમાં હોવાનું જણાતાં અહીંની ખેડ પોલીસની મદદથી ટ્રેનને થોડો સમય રોકવામાં આવી હતી અને એમાં પ્રવાસ કરી રહેલી ત્રણેય ટીનેજરને શોધી લેવામાં આવી હતી.’
આ ટીનેજરોની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે સોમવારે બપોર બાદ તેઓ ગાર્ડનમાં ફરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. અહીં તેમને ખૂબ મોડું થઈ ગયું હતું એટલે હવે જો ઘરે જઈશું તો માતા-પિતા ગુસ્સો કરશે એમ વિચારીને તેઓ મીરા રોડથી સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચી હતી અને મડગાંવ જતી માંડવી એક્સપ્રેસમાં ચડી ગઈ હતી. કાશીમીરા પોલીસને ટીનેજરો માંડવી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહી હોવાની જાણ થયા બાદ રત્નાગિરિ પોલીસને જાણ કરાઈ હતી. રત્નાગિરિની ખેડ પોલીસની ટીમે ગઈ કાલે બપોરે ખેડ રેલવે સ્ટેશને પહોંચેલી માંડવી એક્સપ્રેસને થોડો સમય રોકી હતી અને ટ્રેનની તપાસ કરીને એમાં પ્રવાસ કરી રહેલી ટીનેજરોને શોધી કાઢી હતી. ટીનેજરો મળી ગઈ હોવાની જાણ કાશીમીરા પોલીસને કરવામાં આવી હતી. બાદમાં કાશીમીરા પોલીસ ત્રણેયને હેમખેમ મુંબઈ લાવી હતી અને ટીનેજરોને તેમના પરિવારજનોને સોંપી હતી. પોતાની ભૂલને લીધે માતા-પિતાના ગુસ્સાથી બચવા માટે આ ટીનેજરોએ તેમનાં માતા-પિતાની સાથે પોલીસને પણ ધંધે લગાવી હતી.