07 September, 2023 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં રાજસ્થાનના ત્રણ રહેવાસીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બે જણ ઘાયલ થયા હતા.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સ્પીડમાં જતી મારુતિ સ્વિફ્ટ કારને ટ્રકે આપેલી જોરદાર ટક્કરથી કારચાલક સહિત ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગઈ કાલે સવારે છ વાગ્યે નૅશનલ હાઇવે પર વસઈ પાસેના સાતીવલીમાં બજરંગ ઢાબા સામે આ અકસ્માત થયો હતો. આ કાર ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર ડિવાઇડર ઓળંગીને સામેની લેનમાં જતી રહી હતી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે જાશભેર અથડાતાં ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતના તમામ મૃત્યુ પામનાર અને ઘાયલો રાજસ્થાનના હતા. જોકે આ અકસ્માતને કારણે ગઈ કાલે વહેલી સવારે નૅશનલ હાઇવેના આ ભાગમાં ભારે ટ્રાફિક જૅમ થયો હતો અને ટ્રાફિક-પોલીસે ભારે જહેમતે જૅમ પર નિયંત્રણ મેળવ્યો હતો.
ગઈ કાલે વહેલી સવારે મુંબઈથી મારુતિ સ્વિફ્ટ કાર ગુજરાત તરફ જઈ રહી હતી. એ કારમાં અશોક સિંઘાણિયા, સુભાષ શોત્રા, બનવારીલાલ જેધિયા, કિસન અને અન્ય એક જણમળી કુલ પાંચ જણ પ્રવાસ કરી રહ્યા હતા. સવાર છ વાગ્યે સાતીવલીના બજરંગ ઢાબા સામેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે કાર ડિવાઇડર ઓળંગીને મુંબઈ જતા રોડ પર ચાલી ગઈ હતી. એ સમયે સિલવાસા તરફથી આવી રહેલી ટ્રક સાથે જોશભેર અથડાતાં જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ૩ જણ ગંભીર ઘાયલ થયા હતા. જખમી પૈકીના ત્રણને સંસ્કૃતિ હૉસ્પિટલમાં અને અન્ય બેને ગૅલૅક્સી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્ત પૈકી બેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બાવીસ વર્ષના ટ્રક-ડ્રાઇવર પ્રદીપ લાલચંદ ગૌડની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો.
આ વિશે વાલિવના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ રનાવરેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ અકસ્માતના કેસમાં કાર-ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં કાર તદ્દન ડૅમેજ થઈ ગઈ છે. કારમાં પ્રવાસ કરનાર ત્રણ જણને ગંભીર ઈજા થતાં તેમનાં મૃત્યુ થયાં છે. આ લોકો રાજસ્થાનના રહેવાસી છે, પરંતુ અત્યાર સુધી તેમના વિશે વધુ માહિતી મળી શકી નથી. તેમના પરિવારજનોને જાણ કરી હોવાથી તેઓ રાજસ્થાનથી આવી રહ્યા હોવાથી તેમની સાથે વાતચીત થયા બાદ જ વધુ જાણી શકાશે.’