બોરીવલીમાં અન્ડર-કન્સ્ટ્રક્શન ​બિલ્ડિંગનો માંચડો ૧૬મા માળેથી તૂટી પડ્યો : ત્રણ મજૂરનાં મોત

13 March, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુર્ઘટનામાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતા, જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે

બોરીવલી (વેસ્ટ)માં કલ્પના ચાવલા ચોક પાસે બની રહેલા સોની આર્કેડ બિલ્ડિંગના ૧૬મા માળેથી માંચડા પરથી ચારેય મજૂરો આ જગ્યાએ પડ્યા હતા (તસવીર : નિમેશ દવે)

બોરીવલી-વેસ્ટમાં કલ્પના ચાવલા ચોક પાસે બની રહેલા ૨૪ માળના સોની આર્કેડ બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧.૦૨ વાગ્યે સોળમા માળ પરથી વાંસનો માંચડો તૂટી પડતાં થયેલી દુર્ઘટનામાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતા, જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે. તેને કાંદિવલીની શતાબ્દી હૉ​સ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બોરીવલી પોલીસે આ ઘટના સંદર્ભે પહેલાં ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધીને તપાસ કરી હતી. જોકે એ પછી ​બિલ્ડર સોની અસોસિએટ્સ સામે એફઆઇઆર કરવામાં આવ્યો હોવાનું બીએમસીનાં વૉર્ડ-ઑ​ફિસર સંધ્યા નાંદેડકરે જણાવ્યું હતું. 
બીએમસીના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ થતાં જ બે ફાયરએન્જિન અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ઘાયલ મજૂરોને તરત જ શતાબ્દી હૉ​સ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં ડૉક્ટરે તેમને તપાસીને એમાંથી ત્રણ જણ મત્યુ પામ્યા હોવાનું જણાવ્યુ હતું, જ્યારે ૩૬ વર્ષના સુ​શીલ ગુપ્તાને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

બીએમસીના આર સેન્ટ્રલ વૉર્ડનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે આ બાબતે મહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોની અસોસિએટ્સનું સોની આર્કેડનું એ મકાન ઑલમોસ્ટ રેડી થઈ ગયું છે. આ ઘટનામાં બિલ્ડર દ્વારા સાવચેતીનાં પગલાં લેવાયાં નથી. હવે એ મકાનનું બાંધકામ અમે હાલ રોકી દીધું છે. જ્યાં સુધી ​બિલ્ડર દ્વારા સાવચેતીનાં બધાં પગલાં લેવાયાં છે અને હવે પછી આવી દુર્ઘટના નહીં થાય એ બાબતની ખાતરી નહીં મળે ત્યાં સુધી મકાનનું આગળનું કામ નહીં થઈ શકે. ​બિલ્ડર સામે બેદરકારી દાખવવા બદલ અને એ કારણે ૩ લોકોનાં મોત થયાં હોવાથી એફઆઇઆર કરવામાં આવ્યો છે.’

borivali mumbai mumbai news