પોલીસને જોઈને ભાગવા માંડેલા બે જણ રીઢા ચોર નીકળ્યા

15 November, 2024 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાગ્યા એટલે પોલીસે પણ પાછળ દોડીને પકડી પાડ્યા, બન્ને સામે ચોરીના ૩૪ કરતાં વધુ ગુના નોંધાયેલા છે

પ્રતીકાત્મક તસવીર

સાર્વજનિક જગ્યાએ બસ-રિક્ષામાંથી મોબાઇલ તફડાવનાર ૨૮ વર્ષના સુરેશ ચૌહાણ અને ૨૮ વર્ષના શિવનારાયણ પાલની પાર્કસાઇટ પોલીસે બુધવારે સાંજે એલબીએસ રોડ પરથી ધરપકડ કરી હતી. ગાંધીનગર સિગ્નલ નજીક પોલીસ-કૉન્સ્ટેબલને જોઈને સુરેશ અને શિવનારાયણ ભાગવા માંડ્યા હતા. તેમને ભાગતા જોઈ બન્નેએ કંઈક કર્યું હોવાની શંકા જતાં પોલીસ તેમની પાછળ દોડી હતી અને આશરે ૪૦૦ મીટર દોડીને બન્નેને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતાં બન્ને સામે ૩૪ કરતાં વધુ ચોરીના ગુના મુંબઈનાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં નોંધાયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું એટલું જ નહીં, છેલ્લાં કેટલાંક વર્ષથી બન્ને પોલીસને હાથતાળી આપતા હોવાની પણ જાણ થઈ હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ જો ભાગ્યા ન હોત તો અમને હાથ ન લાગ્યા હોત એમ જણાવતાં પાર્કસાઇટના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા પોલીસ-કોન્સ્ટેબલ ફૂંકાળે અને નવલે બુધવાર સાંજે ગાંધીનગર બ્રિજ પાસે સામાન્ય પૅટ્રોલ‌િંગ કરી રહ્યા હતા ત્યારે વિક્રોલી તરફ એલબીએસ રોડ પર બે યુવાનો તેમને જોઈને અચાનક ભાગવા માંડ્યા હતા. કૉન્સ્ટેબલોને તેમના પર શંકા જતાં તેઓ તેમની પાછળ દોડ્યા હતા. પાછળ પોલીસને આવતી જોઈને આરોપીઓ વધુ જોરથી દોડવા માંડ્યા હતા, પણ લગભગ ૮૦૦ મીટર જેટલું દોડતાં તેઓ કૉન્સ્ટેબલના હાથમાં આવી ગયા હતા. તેમને પૂછપરછ માટે પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમના ખિસ્સાની તપાસ કરતાં એમાંથી ચાર મોંઘા ફોન મળી આવ્યા હતા. તેમની વધુ પૂછપરછ કરવામાં આવતાં તેઓ ૩૪ કરતાં વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના હાથે ન ચડે એ માટે તેઓ અલગ-અલગ વિસ્તારમાં ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.’

mumbai news mumbai Crime News mumbai crime news mumbai police