30 November, 2024 09:01 AM IST | Mumbai | Jigisha Jain
ઑર્ગન-ડોનર્સના સન્માનની ગયા વર્ષની એક ઝલક.
નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા ૨૭મો ઑર્ગન ડોનર્સ ડે આજે ઊજવાશે જેમાં ગયા વર્ષે અંગદાન કરનારા જીવિત લોકો અને અંગદાન કરનારા મૃત લોકોના પરિવારોનું સન્માન થશે. આ ઉપરાંત રવિવારે ૧૭મી નૅશનલ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સની ઉજવણી થશે જેમાં ભારતભરમાંથી અંગદાન કરનારા અને અંગદાન પામનારા બન્ને પ્રકારના લોકો જુદી-જુદી રમતોમાં ભાગ લેશે
ડૉ. ભરત શાહ અને ડૉ. મીતા શાહ
કિડનીના દરદીઓ માટે છેલ્લાં ૩૧ વર્ષથી કાર્યરત સમાજસેવી સંસ્થા નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં જે પણ દાતાઓએ દરદીઓને પોતાના અંગનું દાન આપ્યું હોય છે તેમના આ ઉમદા કાર્ય બદલ તેમનું સન્માન કરવામાં આવશે. જીવિત દાતાઓનું જ નહીં; જે લોકો, જે મૃત વ્યક્તિઓએ અંગદાન કર્યું છે તેમના પરિવારોનું પણ આજે સન્માન કરવામાં આવશે. આજે વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, દાદર ખાતે લગભગ ૮૦થી ૯૦ ઑર્ગન-ડોનર્સનું સન્માન કરીને ઑર્ગન ડોનર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ઑર્ગન ડોનેશન સંબંધિત લોકોની મૂંઝવણોને દૂર કરવા માટે અને જે લોકોએ હિંમત કરીને પોતાનાં સગાંવહાલાંનો જીવ બચાવ્યો છે તેમની હિંમત અને પ્રેમને બિરદાવવા માટે ૧૯૯૭થી દર વર્ષે તેઓ આ રીતે ઑર્ગન-ડોનર્સનું સન્માન કરે છે.
આ વિશે વાત કરતાં નૅફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ કહે છે, ‘પોતાના પ્રિયજન પર જીવનો ખતરો હોય ત્યારે તેને બચાવવા માટે તેના આપ્તજનો બધું જ કરવા તૈયાર હોય છે. છતાં અંગદાન કરવા જેવું મહાન કાર્ય સહજ નથી. એના માટે તે વ્યક્તિ માટે અપાર પ્રેમ અને ત્યાગની ભાવના હોવી જોઈએ. જે લોકોએ આ મહાન ત્યાગ કર્યો છે તેમને બિરદાવવાનો અમૂલ્ય અવસર અમે ઝડપી લીધો છે. તેમનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે.’
નૅશનલ ટ્રાન્સપ્લાન્ટ રમતોત્સવની ગયા વર્ષની ઝલક.
આ ઉપરાંત દર વર્ષે પહેલી ડિસેમ્બરે નૅશનલ ટ્રાન્સપ્લાન્ટ રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. એમાં ભારતભરમાંથી અંગદાન કરનારી અને અંગદાન લેનારી બન્ને વ્યક્તિ પોતાના સારા સ્વાસ્થ્યનું પ્રમાણ આપતાં જુદી-જુદી રમતોમાં ભાગ લેશે. નૅફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ અને તેમનાં પત્ની ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. મીતા શાહ દ્વારા સંચાલિત નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રમતોત્સવમાં આ વર્ષે ભારતભરમાંથી ૫૦૦ રજિસ્ટ્રેશન આવવાની શક્યતા છે. આ રમતોત્સવ ઘાટકોપરના જૉલી જિમખાનામાં સવારે ૮ વાગ્યાથી શરૂ થશે.
આ વિશે વાત કરતાં ડૉ. ભરત શાહ કહે છે, ‘લોકોને લાગે છે કે કોઈ પણ અંગ ફેલ થઈ ગયું તો જીવ ત્યાં સમાપ્ત થઈ જશે. ૨૦૨૪માં ટ્રાન્સપ્લાન્ટની અત્યાધુનિક ફૅસિલિટી વચ્ચે કોઈ પણ વ્યક્તિને ઑર્ગન-ફેલ્યરને કારણે મરવું પડે એનાથી વધુ મોટું અમારા માટે કોઈ દુખ નથી. ઑર્ગન-ટ્રાન્સપ્લાન્ટ વડે આપણે વ્યક્તિને બચાવી શકીએ છીએ. ઊલટું જે વ્યક્તિ અંગદાન કરે છે તે પણ અત્યંત નૉર્મલ લાઈફ જીવી શકે છે અને જે વ્યક્તિને અંગ મળે છે તેના માટે આ એક નવું જીવન છે. રમતગમત સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. આ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ શરૂ કરવા પાછળનો હેતુ જ એ હતો કે ટ્રાન્સપ્લાન્ટ પછી લોકો કેવું સ્વાસ્થ્યસભર જીવન જીવે છે એ બીજા લોકો જોઈ શકે અને પ્રેરણા લઈ શકે.’
આ બાબતે લોકોને આવકારતાં ડૉ. મીતા શાહ કહે છે, ‘જે લોકોને અંગદાન પ્રત્યે કોઈ શંકા છે, એના પછીનું જીવન કેવું હોય એ જોવા ઇચ્છે છે અથવા તો અંગદાન સંબંધિત કોઈ પણ પ્રકારના કાર્યમાં જોડાયેલા છે એ બધા લોકો આ કાર્યક્રમોમાં હાજર રહીને જોઈ શકે છે કે અંગદાન પછીનું જીવન કેટલું નૉર્મલ હોઈ શકે છે.’