10 May, 2023 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમતાનગર પોલીસે કૅરટેકર પાસેથી ચોરીના જપ્ત કરેલા દાગીના
કાંદિવલી-ઈસ્ટમાં સમતાનગર પોલીસે બોરીવલીમાંથી ૨૬ વર્ષની એક યુવતીની ચોરીના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી ચોરેલા ૧૨.૫૦ લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા. આ યુવતી વૃદ્ધ મહિલાના ઘરે કૅરટેકરનું કામ અઢી મહિનાથી કરતી હતી.
કાંદિવલીના અશોકનગરમાં આવેલા ભૂમિ આર્કેડ બિલ્ડિંગમાં રહેતા ૭૨ વર્ષના સિનિયર સિટિઝન પાલજીભાઈ રેવરે તેમની ૭૧ વર્ષની પત્નીની સંભાળ રાખવા માટે ૨૬ વર્ષની યુવતીને કૅરટેકર તરીકે રાખી હતી. આ સિનિયર સિટિઝન મહિલાને ઑલ્ઝાઇમર્સની બીમારી છે અને તેઓ સતત બેડ પર જ હોય છે. તેમનાથી ઊભા પણ થવાતું ન હોવાથી આ કૅરટેકર યુવતી આખો દિવસ તેમની સાથે તેમના બેડરૂમમાં હોય છે.
આ બનાવ વિશે સમતાનગર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અમોલ ભગતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપી યુવતીએ વૃદ્ધ મહિલાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીને દોઢ મહિનામાં બધાનો વિશ્વાસ જીતી લીધો હતો. જોકે તેનું ધ્યાન ઘરમાં રહેલા દાગીના પર હતું. વૃદ્ધ મહિલા બેડ પરથી ઊભાં થઈ શકતાં નથી અને તેમને વધુ કંઈ સમજાતું પણ નથી. યુવતી તેમની સાથે બેડરૂમમાં રહેતી અને વહુ બહારના રૂમમાં હોય છે. પાલજીભાઈ અને તેમનો દીકરો ગામમાં ગયા હતા ત્યારે આ યુવતીને ચાન્સ મળતાં જ તેણે ઘરમાં રાખેલા દાગીના પર હાથસફાયો કર્યો હતો. ત્યાર બાદ ગામમાં લગ્ન હોવાના બહાને ગાયબ થઈ ગઈ હતી. જોકે ઘરમાં કોઈને દાગીના ચોરી થયા હોવાનો અંદાજ આવ્યો નહોતો. થોડા દિવસ પછી ફરિયાદીના પરિવારને કબાટની તિજોરીમાંથી દાગીના ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું હતું. એથી ફરિયાદીની ફરિયાદના આધારે સમતાનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતી વખતે પૂછપરછ કરતાં સમજાયું કે ચોરી કરનાર કોઈ બીજું નહોતું, પણ ઘરમાં વૃદ્ધ મહિલાની સંભાળ રાખનાર યુવતી જ દાગીનાની ચોરી કરી ગઈ હતી. પોલીસે તપાસ કરીને તે યુવતીનો મોબાઇલ ટ્રેસ કર્યો હતો. તેનું
લોકેશન મળતાં પોલીસે આરોપી યુવતીની બોરીવલીમાંથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ૧૨,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનાં ઘરેણાં કબજે કર્યાં હતાં. આ યુવતીનાં એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં અને તેના પતિને ચોરી વિશે કોઈ જાણ નહોતી. યુવતીની પૂછપરછ કરતાં તેણે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.’