26 November, 2021 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાની આજે ૧૩મી વર્ષગાંઠ છે. આ હુમલાને ભારતના ઈતિહાસનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો કહેવો અતિષિયોક્તિ તો નથી જ. 2008માં 26 નવેમ્બરે 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને ઘણી જગ્યાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા. તેમ જ અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આજે આ હુમલાને ૧૩ વર્ષ થયા છે, આ નિમિત્તે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં શહીદ સ્મારક પર સવારે 9 વાગ્યે શહીદ અધિકારીઓ અને પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમ જ સવારે 10.45 કલાકે ગેટવે ઓફ ઈન્ડિયા પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ દિવસને યાદ કરતાં રતન તાતાએ લખી કે “આજથી 13 વર્ષ પહેલાં આપણે જે દુઃખ સહન કર્યું તેને ક્યારેય ભૂસી શકાય તેમ નથી. જોકે, આપણે હુમલાઓની સ્મૃતિને ચાલુ રાખવાનું ચાલુ રાખવું જોઈએ, જે આપણને તોડવા માટે હતો અને તે જ આપણી શક્તિનો સ્ત્રોત બની ગયો છે, જ્યારે આપણે ગુમાવેલા લોકોનું સન્માન કરીએ છીએ.”
મુંબઈ પોલીસે પણ ટ્વિટ કરી તે સમયે જીવ ગુમાવનાર જવાનોને યાદ કરતાં લખ્યું કે “મુંબઈની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના લડનારા બહાદુર વીરોને સલામ!”
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યાલયે ટ્વિટ કરી લખ્યું કે “મુખ્યમંત્રી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ 26/11ના આતંકી હુમલાના શહીદો અને પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે હુમલા સામે લડનારાઓનો પણ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ હુમલો આતંકવાદીઓના કાયર વલણનો સ્પષ્ટ સંકેત છે.”
વડાપ્રધાનના કાર્યાલયે પણ આ ટ્વિટ કરી લખ્યું કે “આજે 26/11 એ આપણા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી”
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું કે “મુંબઈ 26/11ના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અને કાયરતાપૂર્ણ હુમલામાં આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કરનારા તમામ સુરક્ષા કર્મચારીઓની હિંમતને સલામ. આખા દેશને તમારી બહાદુરી પર ગર્વ છે. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.”
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ સૌથી પહેલા છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ પર રાત્રે 9.30 કલાકે ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ AK47થી 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો, જેમાં 52 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ લગભગ 10.30 વાગ્યે, વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીને આતંકવાદીઓએ બોમ્બથી ઉડાવી દીધી હતી. જેમાં ટેક્સી ડ્રાઈવર સહિત એક મુસાફરનું મોત થયું હતું. તે જ સમયે, 15 મિનિટ પછી, બોરી બંદરથી બીજી ટેક્સીને ઉડાવી દેવામાં આવી હતી જેમાં બે મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, લગભગ 15 લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદીઓએ મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમવ હાઉસ પર પણ હુમલો કર્યો હતો. તે જ સમયે, 29 નવેમ્બરની સવાર સુધીમાં, સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તે જ સમયે અજમલ કસાબ પોલીસ કસ્ટડીમાં હતો.