આળંદીના જલારામ મંદિરમાં અઢી દાયકાથી જલારામજયંતીએ કારમાં નીકળે છે રથયાત્રા

09 November, 2024 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીરપુર પછી જલારામબાપાનું બીજા નંબરનું સ્થાનક ગણાતા પુણે પાસેના આળંદીના જલારામ મંદિરમાં ગઈ કાલે ભવ્ય ઉજવણી થઈ હતી. આ ઉજવણીનો એક મહત્ત્વનો ભાગ હતો સવારના સમયે નીકળેલી જલારામબાપાની રથયાત્રા

જલારામબાપાની રથયાત્રા

વીરપુર પછી જલારામબાપાનું બીજા નંબરનું સ્થાનક ગણાતા પુણે પાસેના આળંદીના જલારામ મંદિરમાં ગઈ કાલે ભવ્ય ઉજવણી થઈ હતી. આ ઉજવણીનો એક મહત્ત્વનો ભાગ હતો સવારના સમયે નીકળેલી જલારામબાપાની રથયાત્રા. લગભગ પચીસેક વર્ષ પહેલાં આ દિવસે જલારામબાપાની તસવીરને કારની ઉપર ફૂલોના શણગાર સાથે આળંદી શહેરમાં ફેરવવામાં આવે અને પછી એ રથયાત્રા ફરીને પાછી મંદિરના પ્રાંગણમાં આવે એવી પ્રથા શરૂ થયેલી. જ્યારથી આ પ્રથાની શરૂઆત થઈ છે ત્યારથી આ કાર્યમાં ઘાટકોપરમાં રહેતા નિશાંત કારિયાનો પરિવાર મહત્ત્વનો ભાગ ભજવે છે. કારને સુંદર ફૂલોથી દુલ્હનની જેમ શણગારીને કારની ઉપર નાનકડા મંદિર જેવું ગૃહ બનાવીને જલારામબાપાની તસવીર બેસાડવામાં આવે અને આ રથયાત્રા ધીમે-ધીમે આળંદી શહેરમાં ફરે. સતત પચીસથી વધુ વર્ષથી આ શિરસ્તો જાળવનાર નિશાંત કારિયા કહે છે, ‘હું સમજણો થયો ત્યારથી આળંદી મંદિરમાં જલારામ જયંતીની રંગેચંગે ઉજવણી થતી જોતો આવ્યો છું. બાપાની ભક્તિ મને ગળથૂથીમાં મળી છે. એમ કહો કે બાપાની કૃપાથી જ હું જન્મ્યો છું. મારા પેરન્ટ્સે બાપાની માનતા માનેલી એના ફળસ્વરૂપે તેમનાં લગ્નનાં ૭ વર્ષ પછી મારો જન્મ થયેલો. મને પણ નાનપણથી જલારામબાપા માટે બહુ ભક્તિ અને લાગણી છે. મને યાદ છે કે પચીસેક વર્ષ પહેલાં અમારી પાસે ફીઆટ કાર હતી એના પર આવી રથયાત્રા કાઢવાનું નક્કી થયેલું.’

જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ થકી સંચાલિત આળંદીના જલારામ મંદિરમાં એ પછી દર વર્ષે કારિયા પરિવાર દ્વારા જ રથયાત્રા નીકળતી આવી છે. નિશાંતભાઈ કહે છે, ‘ફીઆટમાંથી મારુતિ ૮૦૦ આવી અને હવે ઇનોવા ફીએસ્ટા કાર છે. દર વર્ષે કારતક સુદ છઠની સાંજે જલારામ મંદિરમાં ગાડી અંદર આવે અને અમે પરિવારના લોકો ભેગા મળીને કારની અને મંદિરની ફૂલોથી સજાવટ કરીએ. અમે ગુરુવારે સાંજે સજાવટનો સામાન લઈને પહોંચ્યાં હતાં અને સાંજે ૭ વાગ્યાથી કામ શરૂ કર્યું એ છેક વહેલી સવારે સાડાછ વાગ્યે પત્યું હતું. એ પછી નાહી-ધોઈ તૈયાર થઈને અમે રથયાત્રા લઈને નીકળ્યાં. રાતે જાગીને સજાવટ કરવાનું એક કારણ એ કે ફૂલો અને સજાવટ ફ્રેશ રહે. ખરેખર આખી પ્રોસેસમાં ખૂબ જ ધન્યતા અનુભવાય.’

કેટલો ખર્ચ થાય?


નિશાંત કારિયા કેટરિંગ બિઝનેસ ધરાવે છે એટલે ડેકોરેશનનું કામ તેમને માટે ડાબા હાથનો ખેલ છે. એ વિશે નિશાંતભાઈ કહે છે, ‘કેટરિંગ પહેલાં હું ડેકોરેટરનું જ કામ કરતો હતો. કયાં ફૂલ ક્યાં સારાં મળે અને એની કેવી સજાવટ સારી લાગે એ બાળપણથી જ કરતો આવ્યો છું. અને આ તો ભાવનું કામ છે એટલે વધુ મજા પડે. માત્ર કાચા માલનો જ ખર્ચ હોય, બાકી ખરું કામ તો પરિવારના લોકોએ જ ભાવથી કરેલું હોય. લગભગ ત્રીસેક હજારનો ખર્ચ સજાવટમાં થાય.’

રથયાત્રા 
સવારે ૯ વાગ્યે આળંદી મંદિરથી નીકળીને જ્ઞાનેશ્વર મંદિર રોડ પરથી લગભગ અઢી કિલોમીટરની યાત્રા કરીને ૧૨ વાગ્યે કાર પાછી મંદિરે ફરે.

pune maharashtra news maharashtra religion religious places hinduism news ghatkopar mumbai mumbai news