જળબંબાકાર લોનાવલામાં ૨૫ પર્યટકો અટવાયા

25 July, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમર સુધી ભરાયેલા પાણીમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા

લોનાવલા નજીકના મળવલીમાં જળબંબાકારની સ્થિતિ થવાથી કમર સુધી ભરાયેલા પાણીમાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો પર્યટકો ઘરમાં અટવાઈ ગયા હતા.

મુંબઈગરાઓના ફેવરિટ ​હિલ-સ્ટેશન લોનાવલામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો ગઈ કાલે પાણી ભરાઈ જતાં જળબંબાકાર થઈ ગયા હતા. ૨૪ કલાકમાં અહીં ૨૭૫ મિલીમીટર એટલે કે ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો એટલે લોનાવલા નજીકના મળવલી ખાતેના બંગલામાં વરસાદની મજા માણવા ગયેલા લોકો ફસાઈ ગયા હતા. ચારે બાજુ કમર સુધી પાણી ભરાઈ જતાં આ લોકો અટવાઈ જવાથી ઘરોની બહાર નહોતા નીકળી શક્યા. પર્યટકોની સાથે સ્થાનિક રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બંગલા અને ઘરોમાં ફસાયેલા લોકોએ સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરતાં ગઈ કાલે બપોર બાદ શિવદુર્ગ રેસ્ક્યુ ટીમની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. સાંજના સમયે વરસાદ પણ ધીમો થયો હતો એટલે બધા સલામત સ્થળે પહોંચી શક્યા હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારથી અહીં અનરાધાર વરસાદ પડ્યો હતો એટલે લોનાવલાની આસપાસના તમામ ડૅમ છલકાઈ જતાં પાણી ચારે બાજુ ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી.

mumbai news mumbai lonavla monsoon news mumbai monsoon