સલમાન ખાનને પનવેલના ફાર્મહાઉસમાં પતાવી દેવા ૨૫ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી

18 October, 2024 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ પોલીસે આ પ્લાનના મુખ્ય આરોપી સુખાની ગઈ કાલે હરિયાણાના પાનીપતથી ધરપકડ કરી

સુખબીર બલબીર સિંહ ઉર્ફે સુખા પોલીસની પકડમાં

સલમાન ખાનના બાંદરામાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પર થયેલા ફાયરિંગની કેસની તપાસ દરમ્યાન મળેલી માહિતી મુજબ સલમાન ખાનને તેના પનવેલના ફાર્મહાઉસમાં ઉડાડી દેવાનો પ્લાન બિશ્નોઈ ગૅન્ગે બનાવ્યો હતો અને એ માટે ૨૫ લાખ રૂપિયાની સુપારી પણ અપાઈ ગઈ હતી. પનવેલ પોલીસે એ સંદર્ભે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એ કેસમાં તેમણે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે અને એ સાથે પોલીસે હરિયાણાથી આ કેસના મુખ્ય આરોપી સુખાની ગઈ કાલે ધરપકડ પણ કરી લીધી છે.

પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યા મુજબ સલમાનની હત્યા કરતાં પહેલાં એનો અભ્યાસ કરવા ૬૦-૭૦ જણ રાખવામાં આવ્યા હતા. તેઓ બાંદરામાં તેના ગૅલૅક્સી અપાર્ટમેન્ટના ઘર નજીક, પનવેલના ફાર્મહાઉસ પર તથા ગોરેગામ ફિલ્મસિટીમાં સલમાનની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એવું પણ નક્કી થયું હતું કે સલમાનની હત્યા કરવા માટે ૧૮ વર્ષથી નાના યુવકોને પસંદ કરવા.  

મુખ્ય આરોપી સુખાએ એ માટે અક્ષય કશ્યપ ઉર્ફે AK અને અન્ય ચાર શૂટરને એ કામ સોંપ્યું હતું. તેમને પુણે, રાયગડ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાવવામાં આવ્યા હતા. અભ્યાસ કરવા દરમ્યાન તેની ટાઇટ સિક્યૉરિટી જોઈને તેના પર જો ફાયરિંગ કરવું હોય તો એ માટે ઍડ્વાન્સ અને હાઇ-ટેક વેપન જોઈશે એવું તેમને જણાયું હતું અને એની જાણ સુખાને કરવામાં આવી હતી.

સલમાન પર ફાયરિંગ કરવા લેટેસ્ટ વેપનની ડીલ પાકિસ્તાની ડીલર સાથે સુખાએ ત્યાર બાદ આધુનિક હથિયારો AK47 અને AK92, પાકિસ્તાની બનાવટની M16 અને ટર્કિશ બનાવટની ઝિગાના ગન મેળવવા પાકિસ્તાનના વેપન-ડીલર ડોગરનો વિડિયો-કૉલથી સંપર્ક કર્યો હતો. એ વખતે AK47 અને અન્ય હથિયાર શાલમાં વીંટાળીને દર્શાવવામાં આવ્યાં હતાં. સુખાએ તેને ૫૦ ટકા ઍડ્વાન્સ અને એ પછી બાકીના ૫૦ ટકા ભારતમાં ચૂકવવામાં આવશે એવી ઑફર કરી હતી જે ડોગરે કબૂલ રાખી હતી. જોકે સલમાનની હત્યા માટે કૅનેડામાં સ્થાયી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના ગોલ્ડી બ્રાર અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી હતી. પ્લાન મુજબ એવું પણ નક્કી થયું હતું કે હત્યા કર્યા બાદ બધા કન્યાકુમારીમાં ભેગા થશે અને ત્યાંથી તેઓ બોટમાં બેસીને શ્રીલંકા જશે એ પછી ત્યાંથી તેમને અલગ-અલગ દેશમાં મોકલી દેવામાં આવશે.  

સુખાને હરિયાણાના પાનીપતની હોટેલમાંથી ઝડપી લેવામાં આવ્યો

પનવેલના એ કેસમાં પોલીસ આ પહેલાં પાંચ આરોપીની ધરપકડ કરી ચૂકી છે. જોકે પોલીસથી નાસતા ફરતા મુખ્ય આરોપી સુખબીર બલબીર સિંહ ઉર્ફ સુખાને ગઈ કાલે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસે પાનીપત પોલીસની મદદથી પાનીપતની અનાજની માર્કેટમાં આવેલી અભિનંદન હોટેલમાંથી ઝડપી લીધો હતો અને તેને ટ્રા​ન્ઝિટ રિમાન્ડ પર હવે મુંબઈ લવાઈ રહ્યો છે. 

વી આર ફાઇન : અરબાઝ ખાન

સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે સલમાનને પણ ધમકી મળી રહી છે એટલે જ્યારે આખો ખાન પરિવાર હલી ગયો છે ત્યારે સલમાનના મોટા ભાઈ અરબાઝે કહ્યું કે ‘વી આર ફાઇન. અફકોર્સ ઘણું બધું થઈ રહ્યું છે અને દરેકને ચિંતા છે, પણ એમ છતાં હું મારી ફિલ્મ ‘બંદા સિંહ ચૌધરી’ ૨૫ ઑક્ટોબરે રિલીઝ કરવાનો છું અને એ માટે મારે જેકાંઈ કામ કરવું પડે એ બધું કરી રહ્યો છું. હું એમ તો નહીં કહું કે બધું બરાબર છે, પણ આ પરિસ્થિતિમાં જે શક્ય છે એ બધું અમે બેસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે બધા સરકાર અને પોલીસ સાથે મળીને ચોકસાઈ રાખી રહ્યા છીએ કે સલમાન સુર​ક્ષિત રહે. એ માટે હાલ આમાં જ આગળ વધવા માગીએ છીએ.’

Salman Khan panvel mumbai police haryana mumbai mumbai news