09 March, 2023 09:01 AM IST | Mumbai | Mehul Jethva
શાંતિ ઉપવન સોસાયટીમાં પોતાનું ઘર હોવા છતાં રસ્તા પર રહેતા લોકો
ડોમ્બિવલી નજીક કલ્યાણ-શિલફાટા રોડ પર શાંતિ ઉપવન હાઉસિંગ સોસાયટીની ‘એફ’ વિન્ગમાં તિરાડ પડતાં સાવચેતીરૂપે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૨૪૦ પરિવારોનાં ઘર ખાલી કરાવી દીધાં છે. આ પરિવારોને રાજ્ય સરકાર કે સ્થાનિક પાલિકા દ્વારા કોઈ પ્રકારની મદદ ન મળતાં હાલમાં અહીંના લોકો રોડ પર ગુજરાન ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો ‘એફ’ વિન્ગની વાત કરીએ તો કૉર્પોરેશન દ્વારા આ વિન્ગમાં કોઈને સામાન લેવા માટે પણ પરવાનગી આપવામાં ન આવતાં અહીં રહેતા લોકોને છેલ્લા ચાર દિવસથી એક જ કપડાં પહેરવાની ફરજ પડી છે.
ડોમ્બિવલી-ઈસ્ટમાં કલ્યાણ-શિલફાટા રોડ પર લોઢા હેવનની બાજુમાં આવેલી શાંતિ ઉપવન હાઉસિંગ સોસાયટીમાં શનિવારે સાંજે એકાએક ‘એફ’ વિન્ગમાં મોટી તિરાડ પડી હતી. એ પછી પાલિકાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ લીધા બાદ આ ઇમારતોને તાત્કાલિક તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘એફ’ વિન્ગના બિલ્ડિંગમાં ચારે બાજુ તિરાડો પડી હતી અને સ્લૅબ ધીમે-ધીમે તૂટી રહ્યા હતા. આ ઇમારતને કારણે અન્ય ઇમારતો માટે પણ ખતરો ઊભો થયો હોવાથી અન્ય બનાવોને રોકવા ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા આ ઇમારતોના પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લોઢા હેવન હાઉસિંગ પ્રોજેક્ટમાં શાંતિ ઉપવન ઇમારતો ૧૯૯૮માં બનાવવામાં આવી હતી. આ વિસ્તારના રહેવાસીઓએ માહિતી આપી હતી કે છેલ્લા ચાર દિવસથી મોટા નેતાઓ માત્ર આશ્વાસન આપીને જતા રહે છે, પણ કોઈ ચોક્કસ ઉકેલ અમને આપવા તૈયાર નથી. પ્રશાસન પણ માત્ર જગ્યાઓ ખાલી કરાવવા માટે આગળ આવે છે. બાકી અમારા રહેવાની કોઈ સુવિધા તેમના તરફથી કરી આપવામાં આવી નથી.
શાંતિ ઉપવન હાઉસિંગ સોસાયટીની ‘એફ’ વિન્ગમાં રહેતા અમિત રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું શનિવારે ઑફિસથી ઘરે આવ્યા બાદ ઘરનાં જે કપડાં પહેર્યાં હતાં એ જ કપડાંમાં છેલ્લા ચાર દિવસથી છું. મારાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે મારી પત્ની અને બાળકોનો પણ અહીં છે. ખાવા માટે કોઈ સુવિધા કરી જાય એ અમે ખાતા હોઈએ છીએ. સૂવા માટે અમે અહીંના સાંઈબાબાના મંદિરમાં સૂઈ જઈએ છીએ. સ્થાનિક પ્રશાસન કે પછી અહીંના મોટા નેતાઓ પાસેથી અમને કોઈ મદદ મળી નથી. તેમના દ્વારા કોઈ ચોક્કસ જવાબ પણ અમને આપવામાં આવ્યો નથી જેને કારણે અમારી હાલત દિવસે-દિવસે કફોડી થતી જાય છે.’
શાંતિ ઉપવન હાઉસિંગ સોસાયટીની ‘એફ’ વિન્ગમાં રહેતા મિતેશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બની છે ત્યારથી મોટા નેતાઓ અહીં આવીને નિરીક્ષણ કરી ગયા છે. જોકે હાલમાં અમને રહેવા માટે કોઈ સુવિધા કરી આપવામાં આવી નથી. સ્થાનિક બિલ્ડર દ્વારા અમને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. એમાં તેમણે ત્રણ વર્ષમાં બીજું બિલ્ડિંગ બાંધે ત્યાં સુધી અમારે આ પૈસામાંથી ભાડા પર રહેવું પડશે એવું અમારી પાસેથી સાઇન કરાવ્યું છે.’
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપાલિટીના ‘ઈ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ભરત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે ‘એફ’ વિન્ગ છોડીને બીજી વિન્ગમાંથી લોકોને સામાન કાઢવા દઈએ છીએ. અમારા માટે પ્રથમ એ મહત્ત્વનું છે કે પહેલાં બિલ્ડિંગ ખાલી થઈ જાય. ‘એફ’ વિન્ગનો સામાન કાઢવા અમે ફાયર બ્રિગેડની મદદ લઈશું. આવતા બે-ત્રણ દિવસમાં સામાન કાઢવામાં આવશે.’
તેમને અહીં કોઈ સુવિધા આપવામાં આવી છે કે નહીં એ પૂછતાં તેમણે કહ્યું હતું કે સ્થાનિક બિલ્ડર દ્વારા અહીંના લોકોને એક-એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે જે તેઓ ડિપોઝિટરૂપે વાપરી શકે છે.
પરિવારોને બિલ્ડર ભાડું આપશે : શ્રીકાંત શિંદે
ગઈ કાલે સ્થાનિક સાંસદ શ્રીકાંત શિંદેએ લોઢા હેવન હાઉસિંગ પ્રોજેક્ટના શાંતિ ઉપવન કૉમ્પ્લેક્સ અંગે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર ડૉ. ભાઈસાહેબ ડાંગડે અને લોઢા ડેવલપર્સના પ્રતિનિધિઓ તથા શાંતિ ઉપવન કૉમ્પ્લેક્સના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. એમાં ડેવલપરોને સૂચના આપવામાં આવી હતી કે જોખમી બિલ્ડિંગોને વહેલી તકે તોડીને એ જગ્યાએ નવાં બિલ્ડિંગો ઊભાં કરવામાં આવે અને નાગરિકોને તેમના હકનાં મકાનો ફરી આપવામાં આવે. એ સાથે નવનિર્મિત ઇમારતોની સંપૂર્ણ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ડેવલપર દ્વારા ભાડું પણ ચૂકવવામાં આવશે એવી જાહેરાત શ્રીકાંત શિંદેએ કરી હતી. અચાનક મકાન ખાલી કરાવવાને કારણે પરિવારના સભ્યોએ ઘરનો સામાન પણ એ જ હાલતમાં મૂકવો પડ્યો હતો. આ તમામ સામગ્રી પરિવારોની જીવનભરની મૂડી છે તેથી મકાન તોડતાં પહેલાં અસરગ્રસ્ત પરિવારોને એ તમામ સામગ્રી સારી સ્થિતિમાં આપવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી.