ભાત્સા-તાનસા જળાશયમાં સારા વરસાદથી ૧૨ દિવસ ચાલે એટલો પાણીનો સ્ટૉક એક દિવસમાં જમા

08 July, 2024 06:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈને ૧૨ દિવસ ચાલે એટલો પાણીનો સ્ટૉક એક જ દિવસમાં જમા થયો છે.

જળાશય

મુંબઈને અડધોઅડધ પાણીપુરવઠો પૂરો પાડતા ભાત્સા જળાશયના ઉપરવાસના વિસ્તારમાં એક દિવસમાં ૨૩૭ મિલીમીટર વરસાદ થયો છે જ્યારે તાનસા જળાશયમાં ૧૨૦ મિલીમીટર વરસાદ થયો છે. આના કારણે મુંબઈને ૧૨ દિવસ ચાલે એટલો પાણીનો સ્ટૉક એક જ દિવસમાં જમા થયો છે.

શનિવારે જળાશયોમાં ૧.૫૭ લાખ મિલ્યન લીટર પાણીપુરવઠો હતો જે રવિવારે વધીને ૨.૧૦ લાખ મિલ્યન લીટર થયો છે. આમ એક દિવસમાં ૫૩,૦૦૦ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક વધ્યો છે જેમાંથી ૧૨ દિવસ સુધી મુંબઈને પાણી પૂરું પાડી શકાય છે.

આગામી દિવસોમાં પણ સારા વરસાદની આગાહી છે જેથી વધુ પાણીનો સ્ટૉક થવાની શક્યતા છે. જળાશયોમાં પાણીનો પુરવઠો એકદમ ઓછો થતાં ભાત્સા અને અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકમાંથી મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે વરસાદ થવા છતાં અપર વૈતરણા જળાશયમાં હજી પાણીનો સ્ટૉક ઓછો છે.

જોકે પાણીના સ્ટૉક માટે હજી લાંબી મજલ કાપવાની બાકી છે, કારણ કે મુંબઈનાં જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર થવો જોઈએ. હાલમાં જે ૧૦ ટકા પાણીનો કાપ રાખવામાં આવ્યો છે એ ચાલુ રહેશે.

mumbai news mumbai mumbai water levels Water Cut monsoon news mumbai monsoon