ટ‍્વિન ટનલ બનાવવા માટે સંજય ગાંધી નૅશનલ પાર્કમાંથી ૨૩૫ વૃક્ષો દૂર કરાશે

03 February, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરિયા પરના ભારતના સૌથી લાંબા બ્રિજના ઉદઘાટન બાદ મુંબઈમાં કનેક્ટિવિટીના વધુ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે.

સંજય ગાંધી નૅશનલ પાર્ક

દરિયા પરના ભારતના સૌથી લાંબા બ્રિજના ઉદઘાટન બાદ મુંબઈમાં કનેક્ટિવિટીના વધુ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. હવે શહેરમાં જૂજ જંગલ ધરાવતા સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં થાણેને બોરીવલી સાથે જોડતી ટનલ ખોદવામાં આવશે. નૅશનલ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ (એનબીડબ્લ્યુએલ)એ ૩૦ જાન્યુઆરીએ એની બેઠકમાં ટનલના નિર્માણ હેતુ ૨૩૫ વૃક્ષો કાપવાની દરખાસ્ત મૂકી હતી.

ઑક્ટોબર ૨૦૨૩માં સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ (એસબીડબ્લ્યુએલ)એ એસજીએનપીના મધ્ય ભાગમાં માટીના ટેસ્ટિંગની મંજૂરી આપી હતી, જેથી ૧૨૨ વૃક્ષો પ્રભાવિત થયાં હતાં. માટીના સ્તરને તપાસવા છિદ્રો કરવા માટે વિસ્ફોટની મંજૂરી પણ આપી હતી. થાણેની ટીકુજીની વાડીથી બોરીવલી સુધી બન્ને બાજુએ ટ્વિન ટ્યુબ ટનલ બાંધવાની દરખાસ્ત થઈ છે.

એમએમઆરડીએના કમિશનર ડૉ. સંજય મુખરજીએ કહ્યું હતું કે એનબીડબ્લ્યુએલએ બોરીવલી-થાણે માટે ક્લિયરન્સ આપી દીધું છે એટલે અમે જલદી જ કાર્ય શરૂ કરીશું. એમએમઆરડીએના એ​ક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ. પી. સિંહે આ વર્ષે કાર્ય શરૂ થવાની પુ​​ષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમે આધુ​નિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છીએ અને કપાયેલાં વૃક્ષોને ફરી વાવી શકાય એવા પ્રયાસો કરીશું.

વન વિભાગના નિયમ મુજબ કપાયેલાં વૃક્ષો ફરી એ જ વિસ્તારમાં વાવવામાં આવે એ જરૂરી નથી. આ વૃક્ષોને ઔરંગાબાદના ફુલામ્બ્રી તાલુકામાં ઉમરાવટી ગામમાં વાવવામાં આવશે. દરખાસ્ત મુજબ ટ્વિન ટ્યુબ ટનલ એસજીએનપીના ઇકો-સેન્ટિટિવ ઝોનમાં ૧૧.૮ કિલોમીટરમાં ખોદવામાં આવશે. આ કાર્ય માટેનું કારણ દર્શાવતાં એમએમઆરડીએએ જણાવ્યું હતું કે ‘નૅશનલ પાર્કની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હાલ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક દિવસ દર દિવસ વધી રહ્યો છે. આ ટ્રાફિક પાછળ લોકોની ઍક્ટિવિટી અને દબાણો રહેલાં છે, જેના પરિણામે પ્રોટેક્ટેડ એરિયા પર પ્રેશર પડી રહ્યું છે.’

પાર્કમાં ટનલ થકી આ વિસ્તારને પ્રોટેક્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ઑથોરિટીએ કહ્યું હતું કે બાંધકામ દરમિયાન વાઇલ્ડલાઇફને થોડું ડિસ્ટર્બન્સ થશે, પણ એક વાર કામ પૂરું થયા પછી કોઈ સમસ્યા નહીં રહે.

mumbai news mumbai sanjay gandhi national park maharashtra state road transport corporation