26 February, 2024 06:58 AM IST | Mumbai | Prakash Bambhroliya
હેમિલ માંગુકિયા
બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં જૉબ મેળવવા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગયેલા સુરતના ૨૩ વર્ષના હેમિલ માંગુકિયાનું મિસાઇલ હુમલામાં મૃત્યુ થયું છે. હેમિલ દુબઈ અને મુંબઈના એજન્ટ મારફત નોકરી કરવા ગયો હતો, પણ તેને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો એટલે તેનું મૃત્યુ થયું હોવાનું તેના પરિવારજનોનું કહેવું છે. હેમિલનો જીવ રશિયા-યુક્રેનની બૉર્ડર પર આવેલા ડોનેસ્ક વિસ્તારમાં ડ્રોન હુમલો થયો હતો એમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ભાવનગરના ગારિયાધાર તાલુકાના પાલડી ગામના મૂળ વતની અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૨૩ વર્ષના હેમિલ અશ્વિન માંગુકિયાનું ૨૧ ફેબ્રુઆરીએ યુક્રેનમાં એક ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. કહેવાય છે કે હેમિલ રશિયા તરફથી યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં સામેલ થયો હતો, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો.
એજન્ટોએ અંધારામાં રાખ્યા
સુરતમાં વરાછા રોડ પરના હીરાબાગ સર્કલ પાસે રહેતા હેમિલ માંગુકિયાના બાપુજી અશોકભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમિલ અહીં તેના પિતા અશ્વિનભાઈ સાથે અહીં જ ગાર્મેન્ટનું કામ કરતો હતો. સુરતના કેટલાક યુવાનોના કહેવાથી રશિયા જૉબ કરવા માટે તૈયાર થયો હતો. તેને હેલ્પરનું કામ આપવાની વાત થઈ હતી, પરંતુ બાદમાં તેને યુદ્ધના મોરચે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એજન્ટોએ હેમિલની સાથે અમને અંધારામાં રાખ્યા હતા. આપણા યુવાનો ભારતની આર્મીમાં નથી જોડાતા તો તેઓ યુદ્ધગ્રસ્ત રશિયામાં ક્યારેય ન જાય.’
વિદેશ જવાનો ચસકો
હેમિલના નજીકના લોકોના કહેવા મુજબ તેને વિદેશમાં કોઈ પણ રીતે નોકરી કરવાનો જબરો ચસકો હતો. આથી તે યુટ્યુબ કે બીજા સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશમાં જૉબ મેળવવા સતત સર્ચ કરતો હતો. આવી જ રીતે તે બાબા બ્લૉગ થકી મુંબઈ અને દુબઈના એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. આ એજન્ટો ભારતના યુવાનોને રશિયામાં નોકરી આપવાની ઑફર કરે છે. આ એજન્ટો બાબતે સુરતના કેટલાક યુવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેઓ ખરેખર યુવાનોને રશિયા મોકલે છે એની ખાતરી થતાં હેમિલે તેમનો સંપર્ક કર્યો હતો અને નોકરી માટે એ ગયા ડિસેમ્બર મહિનામાં જ રશિયા પહોંચ્યો હતો અને જીવ ગુમાવ્યો છે.
મૃતદેહ ભારત લાવવાના પ્રયાસ
૨૧ ફેબ્રુઆરીએ ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા હેમિલ માંગુકિયાના મૃતદેહને તેની સાથેના યુવાનોએ ટ્રકમાં મૂકી દીધો હતો. આ મૃતદેહને ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વિશે અશોક માંગુકિયાએ કહ્યું હતું કે ‘અમે હેમિલના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયની મદદથી પ્રયાસ કરી રહ્યા છીએ. એક-બે દિવસમાં કદાચ અમને સફળતા મળશે.’
ભારતના યુવાનોને લાખોના પગારની ઑફર
હેમિલ માંગુકિયાના પરિવારજનોનો આરોપ છે કે હેમિલની જેમ ભારતના યુવાનોને લાખો રૂપિયાના પગારની લાલચ આપીને કેટલાક એજન્ટો રશિયાની આર્મીમાં મોકલી રહ્યા છે. તેમને આર્મીની તાલીમ આપીને સીધા યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા હોવાનું આ ઘટના પરથી જણાઈ આવે છે.
પિતાએ વાત કર્યાના બીજા દિવસે મૃત્યુ
યુક્રેનના વૉર ઝોનમાં ચાર ભારતીય યુવકો ગયા હતા જેમાં હેમિલનો પણ સમાવેશ થાય છે. ૨૧ ફેબ્રુઆરીએ ડ્રોન હુમલામાં હેમિલનું મૃત્યુ થયાના આગલા દિવસે તેણે પિતા સાથે વાત કરી હતી. આ વિશે હેમિલના પિતા અશ્વિનભાઈએ માહિતી આપી હતી કે ‘હેમિલ ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરે રશિયા ગયો હતો. એજન્ટ દ્વારા તેને સ્વબચાવ માટે બંદૂક ચલાવવાનું શીખવવામાં આવ્યું હતું. ૨૦ ફેબ્રુઆરીએ તેની સાથે છેલ્લી વખત વાત થઈ હતી. એમાં તેણે કહ્યું હતું કે પપ્પા, મારું એક ટકાનું પણ ટેન્શન ન લેતા, મને અહીં કોઈ પ્રૉબ્લેમ નથી. તેને ત્રણ-ચાર દિવસે ઇન્ટરનેટનો ઍક્સેસ મળતો એટલે તે અમને વૉટ્સઍપ કૉલ કરતો.’
પાંચ એજન્ટો ઓળખાયા
મુંબઈનો ફૈઝલ ખાન જે બાબા બ્લૉગ્સના નામે ઓળખાય છે તેના દ્વારા હેમિલ સહિત ભારતના યુવાનોને રશિયામાં જૉબની ઑફર આપવામાં આવી હતી. ફૈઝલ ખાન રાજસ્થાનના મોહમ્મદ મોઇનુદ્દીન, તાલિમનાડુના રમેશકુમાર અને જોબી બેસનામ નીજી, ચંડીગઢના ખુશપીરીત અને નેપાલના સંતોષ નામના પાંચ એજન્ટોના સંપર્કમાં હતો. કોઈ યુવાન રસ દાખવે તો તેમને મહિને બેથી અઢી લાખ રૂપિયાના પગારની ઑફર આપવામાં આવતી હતી.