11 July, 2023 09:42 AM IST | Mumbai | Prakash Bambhroliya
કાળધર્મ પામેલાં સાધ્વી શ્રી હિતવચનાશ્રીજી
માત્ર ૨૧ વર્ષનાં સાધ્વીજી કાળધર્મ પામ્યાં હોવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા બાદ જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મુંબઈમાં રહેતા જાણીતા જીવદયાપ્રેમી અને ડાયમન્ડના વેપારીનાં સંસારી પુત્રી એવાં સાધ્વીજી રવિવારે રાતે ૮ વાગ્યે કાળધર્મ પામ્યાં હતાં અને ગઈ કાલે ડીસામાં તેમની પાલખી કાઢવામાં આવ્યા બાદ નદીકાંઠે અંતિમક્રિયા કરવામાં આવી હતી. શંખેશ્વરમાં અઠ્ઠમ તપની આરાધના કર્યા બાદ ડીસામાં ચોમાસું ગાળવા સાધ્વીજી પહોંચ્યાં હતાં, પરંતુ તબિયત ખરાબ થતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ તમામ ટેસ્ટ કરી હતી, પરંતુ બીમારી પકડમાં નહોતી આવી અને ચારેક દિવસની માંદગી બાદ ૯ વર્ષ પહેલાં ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર સાધ્વીજી કાળધર્મ પામ્યાં હતાં.
ઉત્તર ભારતના બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરના મૂળ વતની અને મુંબઈમાં રહેતા જીવદયાપ્રેમી પ્રકાશ સંઘવીનાં સંસારી પુત્રીએ ૯ વર્ષ પહેલાં આચાર્ય તપોરત્નસૂરીશ્વરજી મ.સા. સમુદાયનાં સાધ્વીજી જિનપ્રિયાશ્રીજીની પ્રેરણાથી દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ સાધ્વી હિતવચનાશ્રી નામ ધારણ કર્યું હતું. શંખેશ્વરમાં અઠ્ઠમ તપની આરાધના કર્યા બાદ તેઓ ડીસાના નેમિનાથ ઉપાશ્રયે ચોમાસું કરવા પહોંચ્યાં હતાં. અહીં તેમની તબિયત ખરાબ થઈ હતી અને ચારેક દિવસની ટૂંકી માંદગી બાદ તેમણે રવિવારે રાતે ૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.=
બીમારી પકડાઈ જ નહીં
સાધ્વીજી શ્રી હિતવચનાશ્રીજીના સંસારી પિતા પ્રકાશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરીરમાં નબળાઈ આવી ગઈ હતી એટલે દીકરીમહારાજને ડીસાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ એમઆરઆઇ સહિતના રિપોર્ટ કઢાવ્યા હતા, પરંતુ કયા કારણથી નબળાઈ રહે છે એ જાણી નહોતું શકાયું. તેમને ચારેક દિવસની ટૂંકી માંદગી જ હતી.’
છેલ્લે સુધી હસતાં રહ્યાં
પ્રકાશ સંઘવીએ દીકરીમહારાજની છેલ્લે કેવી તબિયત હતી એ વિશે કહ્યું કે ‘રવિવારે રાતે ૮ વાગ્યે દીકરીમહારાજની આંખ બંધ થઈ ગઈ હતી. અમે ડીસામાં જ હતાં એટલે તેમણે કહ્યું કે તે અમારા માટે ઓઘો તૈયાર કરશે. તેમના ચહેરા પર છેલ્લે સુધી સ્મિત રેલાતું હતું. એવું લાગતું જ નહોતું કે તેઓ બધાને મૂકીને જતાં રહેશે.’
નદીકાંઠે અંતિમક્રિયા
સાધ્વી શ્રી હિતવચનાશ્રીજી રવિવારે રાતે કાળધર્મ પામ્યા બાદ ગઈ કાલે સવારે તેમની પાલખી ડીસામાં કાઢવામાં આવી હતી અને ત્યાં નદીકિનારે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પ્રકાશભાઈએ કહ્યું કે ‘સામાન્ય રીતે સાધુ-સાધ્વી ગમે એટલાં દુખી હોય તો પણ તેમની આંખમાંથી આંસુ આવતાં નથી, પણ ૨૧ વર્ષનાં દીકરીમહારાજની પાલખી અને અંતિમક્રિયા વખતે હાજર રહેલાં અનેક સાધુ-સાધ્વી ભગવંતોની આંખો ભીની થઈ ગઈ હતી.’