મૃત્યુ જીવન કા અંત નહીં, નએ જીવન કી શુરૂઆત હૈ

27 October, 2024 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું વૉટ્સઍપ સ્ટેટસ રાખીને પરિવારની હાજરીમાં તાડદેવના ૨૧ વર્ષના ગુજરાતી યુવાને જીવન ટૂંકાવ્યું

ઉદય ચૌહાણ

તાડદેવની તુલસીવાડીમાં મહાલક્ષ્મી બિલ્ડિંગમાં રહેતા મેઘવાળ સમાજના ૨૧ વર્ષના ઉદય ચૌહાણે ગઈ કાલે વહેલી સવારે ઘરના બેડરૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તાડદેવ પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર ઍક્સિડન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને પોસ્ટમૉર્ટમ બાદ ઉદયનો મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. પોલીસનું કહેવું છે કે સુસાઇડ પહેલાં ઉદયે વૉટ્સઍપ સ્ટેટસ રાખ્યું હતું જેમાં મૃત્યુ જીવનનો અંત નથી પણ નવા જીવનની શરૂઆત છે એવો ઉલ્લેખ કર્યો હતો.

મારાં ભાભી જયાબહેનની ૨૦ મિનિટ માટે આંખ લાગી એટલામાં ઉદયે બેડરૂમમાં જઈને સુસાઇડ કરી લીધું હતું એમ જણાવતાં ઉદયના કાકા અશોક ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાલક્ષ્મી બિલ્ડિંગના બારમા માળે રહેતા મારા મોટા ભાઈ જયસિંહનો પુત્ર ઉદય છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હતો. તે શુક્રવારે રાતે અઢી વાગ્યે જમ્યો હતો. ત્યાર બાદ મોબાઇલમાં ગીત સાંભળી રહ્યો હતો. તેને જાગતો જોઈને ભાભીએ ઘણી વાર તેને સૂઈ જવા માટે કહ્યું હતું, પણ તેણે સાંભળ્યું નહોતું. તે શું કરી રહ્યો હતો એ જોવા માટે ભાભી પણ સૂતાં નહોતાં. અંતે સવારે ચાર વાગ્યે ઉદય બેડરૂમમાં ગયો એટલે ભાભીને એમ કે તે ત્યાં જઈને સૂઈ જશે. એટલે ભાભી પણ બહાર હૉલમાં સૂઈ ગયાં હતાં. આશરે ૨૦ મિનિટ પછી ભાભી પાછાં ઊઠીને ઉદય શું કરે છે એ જોવા ગયાં ત્યારે ઉદય દુપટ્ટાની મદદથી પંખા પર લટકી રહ્યો હતો. તાત્કાલિક તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગઈ કાલે સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’

પ્રાથમિક તપાસના આધારે અમે ADR નોંધીને ઉદયનો મોબાઇલ જપ્ત કર્યો છે એમ જણાવતાં તાડદેવ
પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરમાં બધા હતા ત્યારે યુવાને આત્મહત્યા કરી હતી. હાલમાં અમને આ કેસમાં સુસાઇડ-નોટ નથી મળી. કયા કારણસર તેણે સુસાઇડ કર્યું એની તપાસ કરવામાં આવી રહી છે.’

વૉટ્સઍપ સ્ટેટસ પર શું લખ્યું હતું?

ઉદયે વૉટ્સઍપ સ્ટેટસ પર ખૂબ જ ભાવુક લખાણ લખ્યું હતું... તુમને જીવન ઐસા જિયા કી એક પ્રકાર સે મૃત્યુ પર વિજય પા હી લિયા. મૃત્યુ વો અંત નહીં જો હમ સોચતે હૈં... હૈના... મૃત્યુ જીવન કા અંત નહીં, એક નએ જીવન કા આંરભ હૈ. જીવન એક અંતહીન ચક્ર હૈ ઔર મૃત્યુ ઉસકા એક છોટા સા હિસ્સા. નશ્વરતા હી જીવન કો જીને યોગ્ય બનાતી હૈ. અમરતા તો વો જોડ હૈ જો જીવન કા રસ ચૂસ લેતી હૈ. અપને હી દો પૈરોં પર અપને શવ કા બોજ ઉઠવાતી હૈ અનંત કાલ તક... યે સચ પહલે જાન જાતા તો અપને કરમ બદલ લેતા. મુઝે ક્ષમા કર દીજિએ પિતાજી...

મીરા-ભાઈંદરમાં દરરોજ એક વ્યક્તિ કરે છે આત્મહત્યા- ગયા વર્ષે ૪૩૩ લોકોએ તો આ વર્ષે નવ મહિનામાં ૨૧૮ લોકોએ જીવન ટૂંકાવ્યું

મુંબઈને અડીને આવેલા જોડિયા શહેર મીરા-ભાઈંદરમાં દરરોજ એક વ્યક્તિ સુસાઇડ કરતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સચિન જંભાળેએ માહિતી અધિકાર અંતર્ગત મેળવેલી માહિતીમાં જણાયું છે કે ૨૦૨૩માં મીરા-ભાઈંદરમાં ૪૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. સુસાઇડ કરવાનો સિલસિલો આ વર્ષે પણ કાયમ રહ્યો છે અને જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ૨૧૮ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર મદન બલ્લાલે મીરા-ભાઈંદરમાં ગયા વર્ષે અને આ વર્ષે અત્યાર સુધીમાં કેટલા લોકોએ જીવનનો અણધાર્યો અંત લાવી દીધો હતો એના આંકડા જાહેર કરવા માટેની અરજીનો જવાબ આપ્યો છે કે પારિવારિક સમસ્યાઓ, બીમારી, એકતરફી પ્રેમ કે પ્રેમમાં નિષ્ફળતા મળવી, પતિ-પત્નીનો વિવાદ, પરીક્ષામાં અસફળતા કે આર્થિક મુશ્કેલીને લીધે આત્મહત્યા કરવાની ઘટનાઓ બની છે. 

mumbai news mumbai tardeo suicide Crime News mumbai crime news mumbai police gujaratis of mumbai gujarati community news