વિસ્તારાના ૨૧ પાઇલટનાં રાજીનામાં, વધુ ૨૬ ફ્લાઇટ રદ

04 April, 2024 07:51 AM IST  |  Mumbai | Prasun Choudhari

ઍર ઇન્ડિયામાં મર્જરની પ્રક્રિયાને પગલે પગારમાં કાપ મૂકવામાં આવતાં વિસ્તારાના પાઇલટો નારાજ

વિમાનની તસવીર

વિસ્તારા ઍરલાઇન્સના આશરે ૨૧ પાઇલટોએ તેમના પગારધોરણમાં કરાયેલા ફેરફારને કારણે વિરોધ નોંધાવીને રાજીનામાં આપી દીધાં છે. અનેક પાઇલટો કામ પર આવી રહ્યા નથી અને એને પરિણામે રોજ કેટલીક ફ્લાઇટો કૅન્સલ થાય છે અને અસંખ્ય ફ્લાઇટો મોડી પડે છે. વિસ્તારા ઍરલાઇન્સ પાસે ૭૦ ઍરક્રાફ્ટ છે જેમાં A320 અને બોઇંગ 787નો સમાવેશ છે અને તેઓ રોજ ૩૦૦ જેટલી ફ્લાઇટ્સ ઑપરેટ કરે છે.

તાતા ગ્રુપની આ ઍરલાઇનને પાઇલટોના અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને A320 ફ્લીટના ફર્સ્ટ ઑફિસરો બીમાર હોવાનું જણાવીને કામ પર આવી રહ્યા નથી. સ્ટાફની શૉર્ટેજને કારણે પ્રવાસીઓની સલામતીનો મુદ્દો ઊભો થયો છે કારણ કે નિષ્ણાતો જણાવે છે કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)નો ભંગ થઈ રહ્યો છે.વિસ્તારા પાસે આશરે ૮૦૦ પાઇલટ છે જેમણે રાજીનામાં આપ્યાં છે. તેમણે વાઇડ બૉડી ધરાવતાં બોઇંગ 787 વિમાનોને ઑપરેટ કરવાની ટ્રેઇનિંગ લીધી છે, પણ તેમને આવાં વિમાનો ઉડાડવાની પરવાનગી અપાતી નહોતી.
હાલમાં વિસ્તારા ઍરલાઇનને ઍર ઇન્ડિયામાં મર્જ કરી દેવાની પ્ર​ક્રિયા ચાલી રહી છે અને તેથી પાઇલટો માટે નવા કૉન્ટ્રૅક્ટ તૈયાર કરાયા હતા જે ઍર ઇન્ડિયાના ધોરણ અનુસાર હતા. જોકે વિસ્તારાના પાઇલટો જણાવે છે કે તેમને મળતા ફિક્સ કૉમ્પેન્સેશનમાં ઘટાડો કરી દેવાયો છે.ક્રૂ મેમ્બરોની શૉર્ટેજના કારણે ઘણી ફ્લાઇટ કૅન્સલ થતી હોવાથી ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ વિસ્તારાને રોજેરોજ ફ્લાઇટ કૅન્સલેશનનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. નાગરી ઉડ્ડયન વિભાગ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. વિસ્તારા રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૦૦ ફ્લાઇટ ઑપરેટ કરે છે, પણ હાલમાં રોજ ૬૦થી ૭૦ ફ્લાઇટને અસર પહોંચે છે. ગઈ કાલે ૨૬ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

mumbai news air india