પત્ની અને તેના વકીલની હત્યાના કેસમાં ચિંતન ઉપાધ્યાયને આજીવન કારાવાસ

11 October, 2023 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટમાં સજા સંભળાવવામાં આવી એ પહેલાં ચિંતન ઉપાધ્યાયે કહ્યું હતું કે મેં કોઈ ગુનો નથી કર્યો છતાં હું દયાની અરજી નહીં કરું અને કોર્ટ મને જે સજા આપશે એ હું સ્વીકારીશ

ગઈ કાલે ચિંતન ઉપાધ્યાયને કોર્ટમાં લઈ જઈ રહેલી પોલીસ (તસવીર : સૈયદ સમીર અબેદી)

દેશભરમાં ચકચાર જગાડનાર જાણીતી આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને તેના વકીલ હરીશ ભંભાણીની કરપીણ હત્યાના કેસમાં દિંડોશીની સેશન્સ કોર્ટના જજ એસ. વાય. ભોસલેએ હેમાના આર્ટિસ્ટ પતિ ચિંતન ઉપાધ્યાય અને અન્ય ત્રણ આરોપીઓને ગઈ કાલે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ચિંતન ઉપાધ્યાય સામે હત્યા કરવાનું કાવતરું ઘડવાનો, જ્યારે અન્ય આરોપીઓ સામે હત્યા કરવાનો આરોપ પુરવાર થયો હતો. જોકે આ ડબલ મર્ડર કેસનો મુખ્ય આરોપી વિદ્યાધર રાજભર આજે પણ પોલીસથી ભાગતો ફરી રહ્યો છે.

આ કેસના ફરિયાદી પક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર વૈભવ બાગડેએ શનિવારે સજા સંદર્ભે કોર્ટમાં થયેલી દલીલ વખતે ચિંતન સહિતના બધા જ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે એવી માગણી કરી હતી. ત્યારે ચિંતને કહ્યું હતું કે ‘મારો કૉન્શ્યસ ક્લિયર છે. મેં કોઈ ગુનો નથી કર્યો છતાં હું દયાની અરજી નહીં કરું. કોર્ટ મને જે સજા આપશે એ હું સ્વીકારીશ.’

ડબલ મર્ડરની આ ઘટના ૨૦૧૫ની ૧૧ ડિસેમ્બરે બની હતી. હેમા ઉપાધ્યાય અને હરીશ ભંભાણી બન્નેને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ તેમના મૃતદેહ કાંદિવલીના નાળામાંથી કાર્ડબોર્ડના બૉક્સમાંથી મળી આવ્યા હતા. ચિંતન ઉપાધ્યાયે વિદ્યાધર રાજભરને સાધીને તે બન્નેની હત્યા કરાવી હોવાનું ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું. જોકે સામા પક્ષે ચિંતન તરફથી એવી દલીલ કરાઈ હતી કે તેના અને હેમાના લગ્નજીવનનો અંત આવ્યો હતો અને તેમના છૂટાછેડા પણ મંજૂર થઈ ગયા હતા. કોર્ટે તેને ભરણપોષણની જે રકમ આપવાનું કહ્યું હતું એમાંથી મોટા ભાગની રકમ પણ આપી દીધી હતી એટલે તેની હત્યા કરવા માટે કોઈ સબળ કારણ જ નહોતું અને તે નિર્દોષ છે.

જોકે ફરિયાદ પક્ષ દ્વારા આ સંદર્ભે સબળ પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. હેમા ઉપાધ્યાય અને હરીશ ભંભાણી વિદ્યાધર રાજભરની વર્કશૉપમાં એન્ટ્રી લઈ રહ્યા હતા એ સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં ઝડપાઈ ગયું હતું. વર્કશૉપમાં તેમની હત્યા કરાઈ હતી અને ત્યાર બાદ તેમના મૃતદેહ બૉક્સમાં પૅક કરી ટેમ્પોમાં ભરીને નિકાલ માટે રવાના કરાયા હતા. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર વૈભવ બાગડેએ કહ્યું હતું કે ​ચિંતન તેના વૈવાહિક જીવનથી કંટાળી ગયો હતો અને એથી તેણે હેમાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ચિંતન અને અન્ય આરોપીઓ વચ્ચે અનેક વાર ફોન પર વાત થઈ હોવાનું પણ ​તેમના કૉલ ડીટેલ રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત કેસના અન્ય આરોપી પ્રદીપ રાજભરે કબૂલ્યું છે કે ​ચિંતને તેમને હત્યા કરવા માટે ૨૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ કેસમાં પોલીસે ચિંતનની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. ચિંતનને છ વર્ષ જેલમાં ગુજાર્યા બાદ ૨૦૨૧માં જામીન મળ્યા હતા અને તે જામીન પર બહાર આવ્યો હતો. 

હત્યાકાંડ અને કેસની ટાઇમલાઇન

૧૨ ડિસેમ્બર ૨૦૧૫ : હેમા ઉપાધ્યાય અને હરીશ ભંભાણીની હત્યા કરીને કોરુગેટેડ બૉક્સમાં ઠાંસેલા તેમના મૃતદેહ કાંદિવલીના નાળામાંથી મળી આવ્યા.
૨૨ ડિસેમ્બર ૨૦૧૫ : આરોપી ચિંતન ઉપાધ્યાય અને અન્ય આરોપીઓ વિજય રાજભર, પ્રદીપ રાજભર અને શિવકુમાર રાજભરની ધરપકડ કરાઈ.
માર્ચ ૨૦૧૬ : પોલીસે કોર્ટમાં ૧૬૫૮ પાનાંની ચાર્જ​શીટ ફાઇલ કરી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે ચિંતને આપેલી ૨૦ લાખ રૂપિયાની સુપારીને કારણે ​મૂળ આરોપી વિદ્યાધર રાજભરે અન્યો સાથે મળી બન્નેની હત્યા કરી. 
ડિસેમ્બર ૨૦૧૮ : ચિંતન ઉપાધ્યાયે કરેલી જામીનઅરજી સેશન્સ કોર્ટ અને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી હતી એથી તેણે આખરે સર્વોચ્ચ અદાલતમાં જામીનઅરજી કરી. 
ફેબ્રુઆરી ૨૦૧૯ : મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં ચિંતનની જામીન રજીનો વિરોધ કર્યો અને કહ્યું કે નવ મહિનામાં જ કેસની સુનાવણી આટોપી લેવાશે. 
ઑગસ્ટ ૨૦૧૯ : કેસની સુનાવણી ચાલુ થઈ અને કેસના પહેલા સાક્ષીની ઊલટતપાસ લેવાનું શરૂ કરાયું. 
સપ્ટેમ્બર ૨૦૨૧ : સર્વોચ્ચ અદાલતે ચિંતન ઉપાધ્યાયના ધરપકડ બાદ ૬ વર્ષે જામીન મંજૂર કર્યા.
૫ ઑક્ટોબર ૨૦૨૩ : સેશન્સ કોર્ટે ચિંતન ઉપાધ્યાયને હત્યાનું કાવતરું ઘડી કાઢવા અને હત્યા કરવાના મકસદ માટે દોષી ઠેરવ્યો, જ્યારે અન્ય આરોપીઓને હત્યા માટે દોષી ઠેરવ્યા.
૧૦ ઑક્ટોબર ૨૦૨૩ : ચિંતન ઉપાધ્યાય અને અન્ય આરોપીઓને ઍડિશનલ સેશન્સ જજ ભોસલેએ આજીવન કારાવાસની સજા ફરમાવી.

Crime News mumbai crime news mumbai mumbai news