24 May, 2023 09:45 AM IST | Mumbai | Urvi Shah Mestry
ભૂપત ઉપાધ્યાય, કિશોર ભૂપતાણી
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૯ મેએ કરેલી જાહેરાત અનુસાર મંગળવારથી ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલી આપવાનું શરૂ થઈ જતાં લોકો એ નોટો બદલવા માટે બૅન્કોમાં ગયા ત્યારે કેટલીયે પ્રાઇવૅટ બૅન્કે નોટ બદલવા માટે ફૉર્મ ભરવાનું અને આઇડી પ્રૂફ બતાવવાનું કહ્યું હતું, જ્યારે એસબીઆઇની અમુક બ્રાન્ચમાં ફૉર્મ ભરાવ્યું નહોતું કે આઇડી પ્રૂફ પણ માગવામાં આવ્યું નહોતું અને લાઇનમાં ઊભા રહીને લોકોએ સરળતાથી ૨,૦૦૦ની નોટો એક્સચેન્જ કરી હતી.
મલાડમાં રહેતા ૭૭ વર્ષના સિનિયર સિટિઝન ભૂપત ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યે હું મલાડમાં એસ. વી. રોડ પર આવેલી યુકો બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની ત્રણ નોટ બદલવા માટે ગયો હતો. ત્યાં પૂછપરછ કરતાં મને બૅન્કવાળાએ કહ્યું કે તમારે ફૉર્મ ભરવું પડશે અને આધાર કાર્ડ અને પૅન કાર્ડની કૉપી પણ આપવી પડશે અને ફૉર્મ નહીં ભરો તો નોટ એક્સચેન્જ કરાશે નહીં. મેં બૅન્કવાળાને કહ્યું કે ગવર્નમેન્ટે એવી કોઈ ગાઇડલાઇન નથી આપી તો તમે કેમ ફૉર્મ ભરાવડાવો છો? એટલે મને ઊલટો જવાબ મળ્યો હતો. એ પછી હું બૅન્કમાંથી બહાર નીકળી ગયો હતો. મારા જેવા મોટી ઉંમરના કેટલાય લોકો હશે જેમણે આ રીતે નોટ બદલવા માટે હેરાનગતિ સહન કરવી પડી હશે. આ ખોટું છે.’
મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી યુકો બૅન્કના એક કર્મચારીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨,૦૦૦ની નોટ બદલવા માટે બેઝિક ઇન્ફર્મેશનવાળું માત્ર ફૉર્મ આપીએ છીએ. એ ભર્યા પછી નોટ એક્સચેન્જ કરી આપીએ છીએ. અમારી પાસે સર્ક્યુલર છે એ મુજબ અમે કામ કરીએ છીએ.’
અંધરીમાં રહેતા કિશોર ભુપતાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨,૦૦૦ની નોટ એક્સચેન્જ કરવા માટે મેં ઍક્સિસ અને કૉસ્મૉસ બૅન્કમાં ઇન્ક્વાયરી કરી હતી. તો મને બૅન્કવાળાએ કહ્યું કે તમારે ફૉર્મ ભરવું પડશે અને આઇડી કાર્ડ બતાવવું પડશે. બૅન્કમાં થોડી લાઇન હતી એટલે હું વિલે પાર્લે-વેસ્ટમાં આવેલી એસબીઆઇ બૅન્કમાં ગયો હતો. ત્યાં દસથી પંદર લોકોની લાઇન હતી અને અડધા કલાકમાં તો મારી ૨,૦૦૦ની નોટ એક્સચેન્જ પણ થઈ ગઈ હતી. ત્યાં ફૉર્મ કે આઇડી કાર્ડ વિશે કંઈ જ પૂછ્યું નહોતું અને નોટોને બદલી આપી હતી. બહુ સરળતાથી નોટ બદલવાનું કામ થઈ રહ્યું હતું અને લોકોને કોઈ હેરાનગતિ પણ થઈ નહોતી. મારા એક મિત્રએ પંજાબ નૅશનલ બૅન્કમાં પણ ફૉર્મ ભર્યા વગર નોટો બદલી હતી.’
અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી ઍક્સિસ બૅન્કના એક અધિકારીને ફૉર્મ ભરવા અને આઇડી પ્રૂફ બતાવવા બાબતે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરબીઆઇના સક્યુર્લરમાં જ આ વાત છે. ૨૦૧૬માં પણ બૅન્કમાં નોટો બદલવા માટે લોકો પાસે ફૉર્મ ભરાવાયું હતું. એક દિવસમાં કેટલી નોટોનું કલેક્શન થયું એ કરન્સી વિભાગને અપડેટ કરવું પડે છે. દરેક બૅન્કનું નોટ બદલવા માટે ફૉર્મ હશે જ. આરબીઆઇએ ક્યાંય લખીને નથી આપ્યું કે ફૉર્મ નથી ભરાવવાનું. સેફ્ટી પર્પઝથી અને જે સક્યુર્લર છે એ મુજબ અમે કામ કરી રહ્યા છીએ. બાકી વૉટ્સઍપ પર આરબીઆઇના જે મેસેજ ફરી રહ્યા છે એ બોગસ નથી. રહી વાત એસબીઆઇની તો એ ગવર્નમેન્ટ બૅન્ક છે. પ્રાઇવૅટ બૅન્કોએ તો પ્રૉપર બધું ફૉલો કરવું જ પડશે.’