24 April, 2023 11:22 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
પોરબંદરમાં રહેતા ૨૦ વર્ષના યુવાને લંડન જવા માટે ખોટા નામથી પોતાની ઓળખ ઊભી કરીને એજન્ટની મદદથી બોગસ પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવ્યા હતા. શુક્રવારે તે લંડન જવા માટે મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. જોકે ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓને એના પર શંકા જતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બોગસ ડૉક્યુમેન્ટ્સની માહિતી સામે આવતાં તેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ઍન્ટૉપ હિલ વિસ્તારમાં રહેતા અને મુંબઈ ઍરપોર્ટ પર બ્યુરો ઑફ ઇમિગ્રેશન વિભાગના અધિકારી લક્ષ્મી મીનાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૧ એપ્રિલે સવારે ૫.૧૦ વાગ્યાની મુંબઈથી લંડન જતી ફ્લાઇટમાં જવા માટે આદિલ મોહમ્મદ ઈશાન નામનો એક પ્રવાસી ઍરપોર્ટ પર આવ્યો હતો. તેના લંડન જવા પાછળના હેતુ પર શંકા જતાં ડ્યુટી ઑફિસર દ્વારા તેના ડૉક્યુમેન્ટ્સ તપાસવામાં આવ્યા હતા. એમાં તેના ડૉક્યુમેન્ટ્સ બોગસ હોવાનું નક્કી થયું હતું. વધુ તપાસ કરતાં તેનું નામ વેજા મોઢવાડિયા હોવાનું જાણવા મળ્યું હતું. તે પોરબંદરના ફૂલવાડીના બોખરિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં તેણે કહ્યું હતું કે તે લંડનમાં સ્થાયી થવા માગતો હતો. એ માટે તેણે એક એજન્ટ પાસેથી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા. એમાં એજન્ટે લંડનમાં રહેતી એક મહિલાનો તે દીકરો હોવાના ડૉક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. આના પરથી તેણે યુકેનો ફૅમિલી વિઝા બનાવ્યો હતો. આ માહિતીના આધારે તેને સહાર પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.
સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લંડન જવા માગતા યુવકે દ્વારકાના કોઈ એજન્ટ પાસે બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા છે. એજન્ટે તેને કહ્યું હતું કે ઍરપોર્ટ પર જાય એ પહેલાં તું મારો ફોન-નંબર અને મારી સાથે થયેલી તમામ ચૅટ ડિલીટ કરી દેજે. એથી યુવકે એજન્ટની તમામ માહિતી પોતાના ફોનમાંથી ડિલીટ કરી દીધી છે. જોકે આ કેસમાં અમે ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરી રહ્યા છીએ.’